• ગમખ્વાર અકસ્માતમાં 10 મુસાફરોને ઇજા  રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ

રાજ્યમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. રાધનપુર હાઈવે પર મધરાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. બન્ને વાહનો વચ્ચે ભયનાક ટક્કર થઈ હતી. જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે જયારે આ 10 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે અંદાજિત એકાદ વાગ્યાં પાટણ-રાધનપુર હાઇવે રક્તરંજીત બન્યો હતો. ખારિયા નદીના પુલ નજીક આણંદ-રાપર રૂટની એસટી બસ અને કચ્છથી માટી ભરીને આવતા ટ્રક સામસામે અથડાઈ હતી. સામસામે થયેલી ટક્કરમાં એસટી બસના ડ્રાયવર અને કંડકટર તેમજ સામે ટ્રકના ડ્રાયવર અને ક્લિનરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે એસટી બસમાં સવાર મુસાફરો પૈકી 10 જેટલાં મુસાફરોને ઇજા પહોંચતા તમામને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળના ભાગનો કૂસડો વળી ગયો હતો. એસટી બસ પર લગાવવામાં આવરલ બોર્ડ મુજબ આણંદથી રાપર જતી બસને અકસ્માત નડ્યો છે. રાત્રિના સમયે નિંદર માણી રહેલા મુસાફરોની કારમી ચીસોથી આભ ફાટી પડ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેંટનારની ઓળખ કરી લેવામાં આવી છે જે મુજબ મૃતકોમાં ડ્રાયવર ઠાકોર કનુજી શંકર(ઉ. વ.41) રહે. સુઢીયાં ગામ, તા. વડનગર,મહેસાણા, ઠાકોર લાલાભાઈ વાહજીભાઈ (ઉ.વ.33), રહે અમીરપુરા, રાધનપુર, ડ્રાયવર બજાણીયા અમરતભાઈ રામસીભાઈ (ઉ. વ.30) રહે. જરૂશા તા.સાંતલપુર, ઠાકોર નિકુલભાઈ ભારુભાઈ (ઉ. વ.20) રહે બામરોલી, સાંતલપુરનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે.

જયારે બાબુભાઈ કરસનભાઈ પ્રજાપતિ ગામ આણંદ, હિરેન રસિકભાઈ દરજી ગામ રાપર, નિલેશ વિસંજી લોદરીયા ગામ રાપર, ખોડાભાઈ મફાભાઈ વાઘેલા ગામ આણંદ, પ્રભુભાઈ ખીમાભાઈ પરમાર ગામ કીડીયાનગર, જીતુભાઈ દલાભાઈ પ્રજાપતિ ગામ આણંદ,  અશરફ નુરલલ્લા શેખ ગામ રાધનપુરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મૃતદેહ બહાર કાઢવા ક્રેઈન બોલાવવી પડી

ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલી હદે ગમખ્વાર હતો કે એસટી બસની કેબીનનો કડુસલો બોલી ગયો હતો અને કેબીનમાં હાજર ડ્રાયવર-કંડકટરના મૃતદેહ બહાર કાઢવા મુશ્કેલ હતા. જેથી પોલીસે મૃતદેહ બહાર કાઢવા ક્રેઈન બોલાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી.

અકસ્માત થવા પાછળનું કારણ શોધવા પોલીસે તપાસ શરૂ કરી

માહિતી મુજબ ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અડધી રાત્રે અકસ્માત થયો હતો. વાહન પૂર ઝડપમાં હતું કે વિઝિબિલિટીનો અભાવ કે અન્ય કારણથી અકસ્માત સર્જાયો તેની પોલીસ વિગત મેળવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.