પાટણમાં રસ્તે રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ હાશાપુર વિસ્તારના રહીશો સાથે રાખી રાત્રે રસ્તે રખડતા પશુઓ પકડ્યા હતા. તેમજ પશુઓ બાબતે પાલિકાની ટીમ બોલાવી ઢોર ડબ્બે કરાવ્યા હતા. આ સાથે આગામી દિવસોમાં ધારાસભ્ય શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં નગરજનોને સાથે રાખીને રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી હાથ ધરશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઇવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.

શહેરના હાશાપુર  હાઇવે માર્ગ પર રખડતા ઢોરના ટોળા ઓના ત્રાસ થી વિસ્તાર ના રહીશોએ રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જાણ કરતા ધારાસભ્યએ તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી. જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાશાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઇવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં આ ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા. આમ શહેરમાં રખડતા ઢોરનો પેચીદો પ્રશ્ન છે.

ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ જણાવ્યું હતું કે રાત્રે  મને ફોન આવ્યો હતો કે  હાશાપુર હાઇવે ઉપર મોટા પ્રમાણમાં રખડતા ઢોરનું ટોળા બેઠા હોય છે અને અહીંયા અંધારું હોય છે અહીંયા સોસાયટીઓ પણ આવેલી છે ત્યારે રસ્તા વચ્ચે પશુ ઓ બેસી જવાના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે ત્યારે આ બાબતે મેં ચીફ ઓફિસરને જાણ કરતા તેઓએ અહીં આવીને ઢોરોને ડબ્બે કરવાની કામગીરી કરી છે. આવી કામગીરી સતત થવી જોઈએ પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે નહીં કરવામાં આવે તો પાટણની પ્રજાને સાથે રાખીને હું રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરીશુ તેમ જણાવ્યું હતું.

દીપક સથવારા

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.