ULCની જમીન ૧૫ વર્ષ પહેલા પણ તબદીલ કરી શકાશે: ભોગવટાધારકે બેંકની લોન લીધા બાદ જો રકમ ભરપાઇ ન કરી શકે તો બેંક જમીનને અન્યના નામે તબદીલ કેવી રીતે કરે તે મુંઝવણ બાદ સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે ૧૯૯૯ના ૩૦મી, માર્ચ પહેલા શહેરી જમીન ટોચમર્યાદા (યુએલસી)ના કાયદા હેઠળ કબજામાં લીધેલી જમીનમાં વધારાની ખાલી પડેલી જમીનમાં ગેરકાયદેસરનો ભોગવટો વધી ગયો છે. તેને કાયદેસર કરવા માટે જરુરી ભોગવટા કિંમતની ચૂકવણીની મુદ્તમાં વધારો કરવા માટે સરકારે શહેરી જમીન ટોચમર્યાદાના કાયદમાં સુધારો કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ હતુ.આ ઉપરાંત હાલ આવી જમીન ૧૫ વર્ષ પહેલા તબદીલ કરી શકાતી નથી, એવી જોગવાઈના કારણે બેંકો લોન-કસૂરવારો સામે પગલાં ભરી શકતી નથી એટલે આ સમયમર્યાદામાં પણ સુધારો કરતી જોગવાઈ સુધારાઈ છે. વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલું આ વિધેયક આખરે વિપક્ષની ગેરહાજરીમાં પસાર કરાયું હતું.

હાલમાં આ કાયદામાં એવી જોગવાઈ છે કે, જો આવી સરકાર હસ્તકની જમીનમાં ભોગવટો ધરાવતા હશે તો તેમને માલતદાર તરફથી નોટિસો પાઠવવામાં આવશે અને તેની તારીખની એક મહિનામાં આવી ભોગવટાકિંમત ભરવી પડશે પરંતુ સરકાર સમક્ષ એવી સંખ્યાબંધ ફરિયાદો આવી છે કે, ઘણાં લોકો આવા ગેરકાયદેસરના ભોગવટાને કાયદેસર કરવવા માંગે છે પણ એક મહિનાની મુદ્દતમાં તેઓ કિંમત ભરી શકતા નથી એટલે હવે, સરકારે આ મુદ્તમાં સુધારો કરવા માટે કાયદામાં સુધારો કર્યો છે. હવેથી સરકાર ધારશે તેટલી મુદ્દત વધારી શકશે. એવી જ રીતે આવા ભોગવટાદાર તેમની કાયદેસર થયા બાદથી ૧૫ વર્ષ સુધી કોઈને વેચી કે તબદીલ કરી શકતા નથી. હાલની આ જોગવાઈના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, આવી જમીન ઉપર કોઈ ભોગવટાદારે કોઈ બેંકમાંથી લોન લીધી હશે અને તે ભોગવટાદાર તે લોનની રકમ તે બંકને ભરપાઈ નહીં કરે તો તે બેંક તેવી જમીનને પોતાના કે અન્ય નામે તબદીલીથી મેળવી નહીં શકે અને એટલે બેંકો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે એટલે સરકારે હવે, કાયદાની આ જોગવાઈમાં ફણ સુધારો કરવાનું નક્કી કર્યુ છે. જોકે, આ માટેના નિયમો સરકાર દ્વારા હવે પછી જાહેરનામાથી જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.