જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ગત મોડી રાત્રીના અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફૂંકાયો હતો, જેને લઇને આજે વહેલી સવારથી રોપવે બંધ રાખવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર એકાએક ભારે પવન શરૂ થયો હતો અને આ ભારે પવન આખી રાત દરમ્યાન વહેલી સવારે સુધી રહેવા પામ્યો હતો. ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ઉષા બ્રેકો કંપની દ્વારા આજે સવારથી રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી.જો કે ઓનલાઈન બુકિંગ કરનારાઓ આજે સવારથી જ રોપેની સફર માટે આવી પહોંચ્યા હતા, આ સાથે ઓફલાઈન પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ સારા પ્રમાણમાં હતી. પરંતુ પ્રવાસીઓની સુરક્ષા માટે આજે રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી. ત્યારે પ્રવાસીઓને નિરાશા થવું પડ્યું હતું. જો કે સંભવત બપોર બાદ રોપવે સેવા જો પવન નહીં હોય તો શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.