શિવ ભક્તો હવે સિધા જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી શકશે: માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી ભાવિકો પાસ લીધા વીના જ ભોળીયાનાથના દર્શન કરી શકશે. કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા સવા વર્ષથી લાગુ કરવામાં આવેલી પાસ સિસ્ટમ આજથી બંધ કરી દેવામાં આવી છે. હવે ભક્તો સીધા લાઈનમાં ઉભા રહી દાદાના દર્શન કરી શકશે. જો કે, માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઈઝીંગ જેવી કોરોના ગાઈડ લાઈનનું પૂર્ણ પણે પાલન કરવામાં આવશે. પાસની પળોજણમાંથી મુક્તિ મળતા શિવ ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
વિશ્ર્વભરમાં છેલ્લા પોણા બે વર્ષથી વૈશ્ર્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગત વર્ષ લાગુ કરવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ મંદિરો ખુલવાની છુટ અપાતા વિશ્ર્વ પ્રસિધ્ધ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓ પાસે પાસની સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. મંદિર પરિસર નજીક ખોલવામાં આવેલા કાઉન્ટર પાસેથી શિવ ભક્તોએ દર્શન માટેના પાસ મેળવવાના રહેતા હતા ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના દર્શન કરી શકતા હતા. ગત 20 જુલાઈ 2020થી આ સિસ્ટમ ચાલુ છે.
ગુજરાતમાં છેલ્લા અઢી માસથી કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. આજથી હવે શિવ ભક્તો મંદિરમાં સીધા જ લાઈનમાં ઉભા રહી સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે. જો કે, કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. દરેક દર્શનાર્થીએ મંદિર પરિસરમાં ફરજિયાતપણે મોઢા પર માસ્ક પહેરી રાખવું પડશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. સેનેટાઈઝીંગ પણ કરવામાં આવશે. પાસ વીના દાદાના દર્શનની વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવશે.
સવા વર્ષ બાદ સોમનાથ દાદાના દર્શન માટે સવા વર્ષના લાંબા અંતરાલ બાદ પાસ લેવામાંથી મુક્તિ મળતા શિવ ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોવાના કારણે હવે રાજ્ય સરકાર દ્વારા પણ પાબંધીઓમાં છુટછાટ આપવામાં આવી રહી છે. હવે ભગવાનના દ્વારે પણ નિયમોના પાલનમાંથી થોડી-ઘણી મુક્તિ મળી રહી છે.