બંધારણની મર્યાદામાં રહીને અનામત આપવા અંગે કાનૂની તજજ્ઞો સાથે ચર્ચા બાદ ફરી બેઠક યોજાશે
કોંગ્રેસ અને પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે ગઈકાલે યોજાયેલી બેઠકમાં પાટીદારોને અનામત આપવાની મુદ્દો યથાવત રહ્યો છે. જયારે બાકીના ચાર મુદ્દાનો શકારાત્મક રીતે ઉકેલ લાવવામાં સફળતા મળી હોવાનો દાવો થયો છે. આગામી બેઠકમાં કવોટા મુદ્દે યોગ્ય પક્ષ લેવા કોંગ્રેસને હાર્દિકે ગર્ભીત ચિમકી પણ આપી દીધી છે.
તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને અનામત કવોટા અંગે પોતાનુ વલણ સ્પષ્ટ કરવાની તાકીદ કરી હતી. બીજી તરફ હાર્દિક ઓબીસી કવોટા ઈચ્છે છે કે, ઈબીસી તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવી દલીલો થઈ હતી. એક રીતે હાર્દિક પોતે પણ આ મામલે અસમંજસમાં મુકાઈ ગયો હોવાનું જણાઈ આવે છે. કોંગ્રેસ પણ ઓબીસી અને પાટીદાર સમાજને એક હાથમાં રાખી ચૂંટણી જીતવાના પ્રયાસમાં છે. માટે તે પાટીદારોને ઓબીસીમાંથી અનામત કવોટા આપવો કે નહીં તે અંગે મગનું નામ મરી પડતી નથી તેવું કહેવાય છે.
હાર્દિકના મામલે કોંગ્રેસની સ્થિતિ નાજૂક જણાય રહી છે. જો હાર્દિકની માંગને પૂરી કરવા પોતાનું વલણ સ્પષ્ટ કરે તો ઓબીસી અથવા પાટીદાર મત હાથમાંથી સરકી જાય તેવી દહેશત કોંગ્રેસને છે. પાટીદારોને ઓબીસી કવોટામાંથી અનામત અપાય તો ઓબીસી સમાજ નારાજ થાય તેવી કોંગ્રેસને ભીતિ છે. માટે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસના ટોચના ત્રણ આગેવાનો અને પાસના અગ્રણીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ૨૫ ઓગષ્ટ અને ત્યારબાદ પાટીદારો પરના અત્યાચારોની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી જવાબદારો સામે કાયદાકીય રીતે પગલા ભરવા, પાટીદારો પર લગાવવામાં આવેલા રાજદ્રોહ અને દેશદ્રોહ સહિતના નાના મોટા તમામ કેસો પાછા ખેંચવા સહિત પાટીદાર અને અન્ય સમાજના પરિવારોને રૂ.૩૫ લાખની સરકારી સહાય અને શહિદના પરિવારજનમાંથી એક વ્યક્તિને શૈક્ષણીક લાયકાત મુજબ સરકારી નોકરી આપવા અને બીન અનામત કેટેગરીના પરિવારના સંતાનોને શૈક્ષણિક, સ્વરોજગાર અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે સવર્ણ આયોગ બનાવી રૂ.૨૦૦૦ કરોડ ફાળવવાના મુદ્દે સર્વ સંમતી સાધવામાં આવી છે.
અલબત પાટીદારોની મુળ અનામતની માંગણી અંગે કોંગ્રેસે બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તે અંગે બંધારણીય તજજ્ઞો સાથે ચર્ચા કરીને ૫ થી ૭ દિવસમાં પાસના અગ્રણીઓ સાથે ફરીથી બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે, એક અઠવાડિયામાં અનામત મુદ્દે કોંગ્રેસ પાસના નેતાઓ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે અંગે નિર્ણાયક રહેનાર પાટીદાર સમાજની અનામતની માંગણી અંગે આગામી સપ્તાહમાં કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. જો કે, તે પહેલા પાસનું વલણ કોંગ્રેસ તરફી સકારાત્મક રહ્યું છે અને ભાજપ તરફી પાડી દેવાની ગણતરી પાસની હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ મામલે આવનારો સમય જ વધુ નિર્ણાયક બની જશે.