Abtak Media Google News

આઠ દિવસ વિવિધ દેરાસર તથા જિનાલયોમાં પ્રાર્થના પ્રવચન પ્રતિક્રમણ સહિતના વિવિધ કાર્યક્રમો

તહેવારોની હેલી બરાબરની જામી છે. એકતરફ શ્રાવણ માસ સમાપ્તિને આરે છે ત્યાં હવે કાલે થી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન, વચન, કાયાના દોષોરૃપી ભૂલોની માફી માંગી ખમાવશે. પર્યુષણ દરમિયાન જિનાલયોમાં વિશિષ્ટ આંગી થશે તેમજ મહારાજ સાહેબનું પ્રવચન પણ યોજાશે.

જૈન ધર્મમાં પર્વાધિરાજ પર્યુષણનું ખૂબ જ મહત્વ છે. જૈન શાસનમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મના મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. સંવત્સરી સાથે પર્યુષણની પૂર્ણાહૂતિ થશે. પર્યુષણના પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે.

દર વર્ષે ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવામાં આવે છે.

પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણના પર્વની નિત્યક્રિયા છે. પર્યુષણના પર્વમાં મહાવીર સ્વામી જન્મ વાંચન થશે.

જિનાલયોમાં વિશિષ્ટ આંગી થશે

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો આવતીકાલ થી પ્રારંભ થશે. દેરાસર તથા જિનાલયોમાં વિવિધ આંગીના દર્શન થશે તેમજ પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિત્તે દેરાસર તેમજ જિનાલય રોશની થી ઝળહળી ઉઠશે પર્યુષણ પર્વ નિમિત્તે કલ્પસૂત્ર વાંચન થશે પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિત્તે પૂજ્ય સાધુ ભગવંતોની નિશ્રામાં વિશિષ્ટ આરાધના-વ્યાખ્યાન યોજવામાં આવશે. જૈન સંઘોમાં તપશ્ચર્યા, પૌષધ, પૂજા મોટા પ્રમાણમાં થશે. આ ઉપરાંત જિનાલયોમાં વિશિષ્ટ આંગી પણ કરાશે. પર્યુષણના પર્વમાં જૈનો યથાશક્તિ ઉપવાસ કરે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.