ક્ષમાનું સ્વાગત અને વેરનું વિસર્જન એટલે પર્યુષણ
જીવનમાં ઊંડા ઉતરી ગયેલા વેરના મૂળિયાને બાળીને એટલે પર્યુષણ
પર્વધીરાજ પર્યુષણ મહાપર્વના પવિત્ર અને મંગલકારી દિવસોનું આગમન થઈ ગયું છે. જેમ ગાગરમાં સાગર સમાવો અશક્ય છે, તેવી જ રીતે પર્યુષણ મહાપર્વ નું મહત્વ વર્ણવું અતિ કઠીન છે. કારણ કે પર્યુષણ પર્વ એ તો સર્વ પર્વોમાં શિરતાજ છે.
જીવનને મંગલમય અને ઉન્નત બનાવવા માટે પર્વધીરાજ આપણને નવચેતનાના નૂતન માર્ગે નવજાગૃતિ સમર્પે છે. પર્યુષણ મહાપર્વ આવતા ભવ્ય જીવોના હૈયા આનંદના હિલોળે ચડ્યા છે, આત્માને ઉજવળ બનાવવા અનેક અનેક ભવ્ય આત્માઓ આ પર્વ આરાધના માં જોડાયા છે. કશાયો ની કલુષીતતાથી, મોહ ની મહાંધતાથી, કર્મની કઠિનાઈઓથી અને વિષય વાસનાઓથી સતત પીડાતો આત્મા આ દિવસોમાં કંઈક અંશે શાંતિનો શ્વાસ લે છે.
પર્યુષણ પર્વ જીવનમાં ઊંડા ઉતરી ગયેલા વેર ના મુળીયા ઓને બાળીને મૈત્રીના બીજનું વાવેતર કરે છે. શુદ્ધ ચારિત્રરૂપી જમીનમાં તપ, ત્યાગ અને સંયમના બીજનું વાવેતર પર્યુષણ પર્વમાં જ થાય છે અને તેના પર ક્ષમાપનાનો વરસાદ વરસતા જીવનરૂપી ઉદ્યાનને સૌરભથી મહેકાવી દે છે.
પર્યુંષણ પર્વ એટલે શું? તેનો જવાબ આપો ખુબ મુશ્કેલ છે પરંતુ આપણે એમ કહી શકીએ કે મુમુક્ષુ આત્માઓને મુક્તિ માર્ગની મંઝિલ સુધી પહોંચાડનાર પવિત્ર પર્વ એટલે પર્યુષણ પર્વ. જેમ આકાશના તારા, સમુદ્રના પાણીના બિંદુ, વરસાદના છાંટા, માતાનો સ્નેહ, ગુરુનો હિતોપદેશ ગણી ન શકાય તેવી જ રીતે પર્યુંષણ પર્વનું મહાત્મય શબ્દ દ્વારા આલેખી ન શકાય, તે માટે ડુબકી જ મારવી પડે. દાન, શિયળ, તપ અને ભાવ નામની ડૂબકી મારનાર ઘણા જીવો તરી ગયા છે.
પર્વાધિરાજ પર્યુષણનો છેલ્લો દિવસ મહાપર્વ સંવત્સરી તરીકે ઉજવાય છે. તે દિવસે ક્ષમાપના કરવાની હોય છે. ક્ષમાપના એ તો પર્વાધિરાજ ની સઘળી આરાધના નો પ્રાણ છે. ક્ષમાપના એટલે અંતરમાંથી રાગ દ્વેષના કાંટા કાઢી શુદ્ધ દિલથી ક્ષમા માંગવી અને અંત:કરણપૂર્વક ક્ષમા આપવી તે. જેમ ક્ષમા માંગનાર મહાન છે, તેમજ ક્ષમા આપનાર પણ મહાન ગણાય છે. નમે તે સૌને ગમે એ ઉક્તિ અનુસાર ક્ષમાશીલ આત્મા સંસાર સાગરને તરવા માટે સમર્થ બને છે. ક્રોધની સામે ક્રોધ કરવો એ માનવતા નથી, ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે લઈ ગયા અને તેમને જડી દીધા ત્યારે ઈસુની આંખમાંથી કરુણા વરસી અને તે બોલ્યા હે પિતા તું આ બધાને માફ કરજે, કારણ કે તેઓને તેમનું ભાન નથી. આ હા કેટલી ક્ષમા, ક્ષમા એ તો વીરનું આભૂષણ છે કાયરનુ નહીં.
ભગવાન મહાવીરે ચંડકૌશિક નાગને, કાનમાં ખીલા મારનાર ભરવાડને વગેરે ઘણા બધા અત્યાચાર કરનારની ઉપર કરુણા વરસાવી અને ક્ષમા આપી તેથી તે ભગવાન કહેવાયા. વેર વેરથી સમતુ નથી, ક્ષમાથી જ સમે છે. ક્ષમાનું સ્વાગત અને વેરનું વિસર્જન કરવાનો સમય હવે થઈ ગયો છે. પર્યુષણ એ અહિંસા અને કરુણાથી મધમત્તું એક વિશિષ્ટ પર્વ છે.
જૈન ધર્મમાં બે ફિરકાઓ શ્વેતાંબર અને દિગંબર આવેલા છે. શ્વેતાંબર ફિરકામાં પર્યુષણ પર્વ 8 દિવસના ઉજવાય છે. આ દરમિયાન કલ્પસૂત્ર નું વાંચન સાધુ ભગવંતો દ્વારા કરવામાં આવે છે. શ્રાવણ વદ બારસ-તેરસથી શરૂ થઈ ભાદરવા સુદ ચોથ-પાંચમના સંવત્સરી પર્વની ઉજવણી કરીને પર્યુષણનું સમાપન કરવામાં આવે છે. પેટા ફીરકાઓમાં પર્યુષણ પર્વમાં એકાદ બે દિવસનો ફરક હોય છે.
દિગંબર ફિરકામાં આ પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી 10 દિવસ મનાવાય છે. આ દિવસો દરમિયાન દશ લક્ષણા વ્રત અંગીકાર કરાય છે, તેમજ ઉમાસ્વાતિના તત્વાર્થ સૂત્રનું વાંચન પઠન કરવામાં આવે છે.
દસમા દિવસે સુગંધા દશમી નું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર લોકો અનંત ચતુર્દશી ઉજવે છે.