જય વિરાણી, કેશોદ
કેશોદ નગરપાલિકાનું કેશોદ નગર સેવા સદન કરવામાં આવ્યાં બાદ પણ ટેક્ષ પેયર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, પાણી વિતરણ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટની સેવાઓ આકરાં વેરાઓ વસુલવામાં આવતા હોવા છતાં સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં આવતી નથી. તંત્રની બેદરકારીના રોષ પુર્વક આક્ષેપ વોર્ડ નં આઠની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે.
નગરપાલિકા સત્તાધિશો દ્વારા પાણી વિતરણ વ્યવસ્થામાં અમુક ચોક્કસ વિસ્તારોમાં ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે. ત્યારે અમુક વિસ્તારોમાં પાંચ છ દિવસે આપી પક્ષપાતી વલણ રાખવામાં આવે છે. જુનાં ગામતળ અને આંબાવાડી વિસ્તાર સીવાય અન્ય વિસ્તારોમાં કાયમી ધોરણે નિયમિત સફાઈ કરવામાં આવતી નથી.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે સ્ટ્રીટ લાઈટનાં અભાવે ફરિયાદો નોંધાઈ છે પણ નિકાલ કરવામાં આવતો નથી. પાલિકાનાં સત્તાધિશો જોઈને તપાસ કરવાની પોપટ વાણી બોલી આંખ આડા કાન ધરે છે. આવનારાં દિવસોમાં ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ શહેરી વિસ્તારમાં ફેલાયેલો રોષ વધું આક્રમક બને તો નવાઈ નહીં રહે.