ક્લેેઈમ કેસ, ભરણપોષણમાં વળતર ચૂકવવાનો અને ઈ-ફાઈલીંગથી કેસ દાખલ કરવાનો પ્રારંભ
આભાષી કોર્ટમાં વિડીયો કોન્ફરન્સીંગ રૂ મથી સાત સેશન્સ કોર્ટ અને ૨૧ નીચેની કોર્ટ ધમધમી
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ અને વકીલ મંડળોની સફળ રજૂઆત
કોરોનાની મહામારીને ડામવા લોકડાઉનથી સમગ્ર રાજયની અદાલતોમાં માત્ર અરજન્ટ કાર્યવાહી ચાલતી હતી. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિને કરેલી માંગને ધ્યાને લઈ રાજયની તમામ અદાલતોમાં આજથી વિડીયો કોન્ફરન્સીંગ બુથ ઉભા કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વિગત મુજબ કોરોનાના વાયરસને અટકાવવા લોકડાઉન કરવામાં આવતા ૧૫૦ દિવસથી અદાલતોમાં અરજન્ટ કાર્યવાહી કરવામાં આવતી હતી લાંબા સમયથી અન્ય કાર્યવાહી ઠપ્પ હોવાથી જૂનીયર વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બનતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલ તેમજ વકીલ મંડળો દ્વારા અદાલતોમાં પૂન: કામગીરી હાથ ધરવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટના પરિપત્ર અન્વયે આજથીહાઈકોર્ટમાં ૨૭,રાજકોટ સેશન્સ કોર્ટમાં ૭ અને નીચેની અદાલતોમાં ૨૧ જજો વિડીયો કોન્ફરન્સીંગનાં બુથ ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.જેમાં બંને પક્ષકારોની સમજૂતીથી આખરી દલીલ પૂર્ણ કરાશે અને સુનાવણી પૂર્ણ થયેલા કેસોનાં ચુકાદાઓ સંભળાવાની કામગીરી કરવામા આવશે. જયારે અકસ્માત વળતરનાં કેસમાં રોજ ૧૦ વ્યકિતઓને વળતરનાં ચેક આપવાની વ્યવસ્થા જયારે ભરણ પોષણના કેસમાં અગાઉ નકકી કરેલા અરજદારોને રકમ ચૂકવવા આવશે. અરજન્ટ સિવિલ ક્રિમીનલ અને ચેક રિટર્નના કેસોની ફરિયાદો ઈ-ફાઈલીંગથી સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાર માસથી અરજન્ટ સિવાયની કામગીરી બંધ હોવાથી આવતા ત્રણ વર્ષ સુધી કોર્ટની કામગીરી ચાલે તેટલા કેસનું ભારણ થયું છે. તેમજ લોકડાઉનમાં જાહેરનામા ભંગના કેસ દાખલ કરવાના બાકી છે.
સેશન્સ કોર્ટના ગ્રાઉન્ડ ફલોરમાં વિડીયો કોન્ફરન્સીંગની સુનાવણીમાં આજે ૨૭ પૈકી ૨૨ જામીન અરજીની સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. જયારે અકસ્માત વળતરમાં આજે ૧૦ અરજદારોને ચેક અપાયા તેમજ ભરણપોષણમાં બંને કોર્ટમાં ૫-૫ અરજદારો રકમ ચૂકવવામાં આવે છે. લાંબા સમય બાદ આજથી રાજયની તમામ અદાલતોમાં આંશિક કામગીરીનો પુન: ધમધમાટ થતા અરજદારો અને વકીલોની અદાલતોમાં ચહલ પહલ દેખાઈ હતી.