- મહિનાના અંત સુધીમાં તાપમાન ફરી 44એ પહોંચી જાય તેવી શક્યતા: રાજકોટનું 37.7 ડિગ્રી તાપમાન
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. ઉપરાંત વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે.
ત્યારે મે મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં ફરી પલટો આવવાની વકી છે.
જ્યારે આ મહિનાના અંતમાં ફરી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હાલ રાજ્યના વિવિધ શહેરમાં ગરમીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહેતા લોકોને ગરમીથી હાલ પૂરતી રાહત મળી છે. આમ છતા બપોરે તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
આગાહીકારોના જણાવ્યા અનુસાર, હાલ તો તાપમાન સામાન્ય છે પરંતુ ફરી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. જેથી એપ્રિલના અંતમાં ગરમી તો મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
મહિનાના અંતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે.
સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી તાપમાન પહોંચી જશે. કચ્છના ભાગોમાં ગરમી અને પવન રહેશે. જ્યારે મેની શરુઆતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે.વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે, 4 મેથી ગરમીનું પ્રમાણ વધશે.
10થી 12 મેમાં આંધી-વંટોળ સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં 10 મે પછી આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા રહેશે.
ડીસા 36.3
ગાંધીનગર 37.0
વીવી નગર 40.1
વડોદરા 37.0
સુરત 37.5
રાજકોટ 37.7
વલસાડ 38.4
નલિયા 33.2
અમરેલી 38.2
ભાવનગર 38.2
સુરેન્દ્રનગર 37.5
મહુવા 39