કાલથી તાપમાન ૨ થી ૩ સેલ્શીયસ ઘટશે પરંતુ બફારાનું પ્રમાણ વધશ
સૌરાષ્ટ્રમાં હવે હીટવેવની આગાહી નથી પરંતુ ગરમીમાં આંશિક રાહત મળવાની શકયતા સેવાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો સૌથી વધુ જોવા મળ્યો હતો. ગઈકાલે સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ ૪૪.૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ૪૩.૭ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં મે માસનું સૌથી વધુ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયું હતું જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં તાપમાન ૨ થી ૩ સેલ્શીયસ ઘટશે પરંતુ બફારાનું પ્રમાણ વધે તેવી શકયતા જોવા મળી રહી છે.
રાજકોટમાં વેધર ઓફિસમાં નોંધાયેલ તાપમાન કરતાં શહેરનાં ગીચ વિસ્તારમાં અનેક માર્ગોમાં, ચોકમાં પારો ૪૪ ડિગ્રીને પાર થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સુત્રો મુજબ શહેરનાં ત્રિકોણબાગ કે જયાંથી તમામ એસ.ટી.બસો, ખાનગી બસો અને ચિકકાર ટ્રાફિક નિકળતો હોય છે જયાં ૪૫.૭૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગર રોડ પર મનપાની ઈસ્ટ ઝોન કચેરી પાસે ૪૫.૮૩ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ગ્રીનલેન્ડ ચોકડી નજીક ૪૪.૨૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે આજીડેમ પાસે શહેરનું સૌથી ઓછું તાપમાન ૪૧.૫૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા અનુસાર સૌરાષ્ટ્રમાં હવે હીટવેવની આગાહી નથી. આવતીકાલથી તાપમાનનો પારો ૨ થી ૩ સેલ્શીયસ ઘટશે તેવી શકયતા સેવાઈ રહી છે એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ સહિતનાં સ્થળો પર ૪૧ ડિગ્રીને આસપાસ પારો જવાની શકયતા છે જેનાં કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે પરંતુ બફારાનું પ્રમાણ વધે તેવી શકયતા છે.
આજે દક્ષિણ પૂર્વ રાજસ્થાન તથા ઉતર ગુજરાત પર સમુદ્ર સપાટીથી૩૧૦૦ થી ૪૫૦૦ મીટર વચ્ચે આકાશમાં હવાની ગતિ જોવા મળી હતી જે કારણે પવનની ઝડપ વધવાની પણ શકયતા છે. આ ઉપરાંત વાત કરીએ તો ગઈકાલે વિંછીયા તાલુકાનાં રૂપાવટી ગામે સાંજનાં સમયે વરસાદ પડયો હતો. વિંછીયા ગામથી ૩ કિલોમીટર દુર ઉમિયા સ્કુલથી લઈ રૂપાવટી ગામ સહિતનાં ગામડાઓમાં વરસાદ પડયો હતો જોકે વિંછીયા ગામમાં એક પણ છાંટો જોવા મળ્યો ન હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગયા ચાર દિવસ પારો ઉંચો જોવા મળ્યો હતો જોકે હવે સૌરાષ્ટ્રભરમાં હીટવેવની આગાહી નથી એટલે આવતીકાલથી હવે પારો ગગડે તેવું લાગી રહ્યું છે.