ડિસેમ્બરનાં પ્રારંભથી શિયાળો થર થર ધ્રુજાવશે તેવી હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં કારતક મહિનાનાં અંતિમ સપ્તાહમાં પણ ઠંડીનાં સામાન્ય ચમકારાનાં અનુભવ વચ્ચે આજે ૧૫ ડિગ્રી આસપાસ ન્યુનતમ તાપમાનો પારો જળવાય રહ્યા બાદ ડિસેમ્બરનાં મધ્ય ભાગથી શિયાળો રંગ પકડશે તેવો સંકેત હવામાન વિભાગની કચેરી દ્વારા દર્શાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે નલીયાનું તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું એટલે કે સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી છે અને સરેરાશ પારો ૨ ડિગ્રી જેટલો વઘ્યો છે.
મળતી માહિતી મુજબ આજે રાજકોટનું મહતમ તાપમાન ૩૨.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.૭ ડિગ્રી જેટલું નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની ઝડપ ૪ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલની સરખામણીએ રાજકોટનું તાપમાન ૧ ડિગ્રી જેટલું વઘ્યું છે જોકે હજુ પણ તાપમાનમાં વધારો-ઘટાડો જોવા મળતા વહેલી સવારે અને મોડીરાતે લોકોને ઠંડીનો અહેસાસ થાય છે. સવારે ગરમ કપડા ધારણ કરવા પડે તેવી ઠંડી જોવા મળી રહી છે. નલીયામાં લઘુતમ તાપમાન આજે ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
આ ઉપરાંત સમગ્ર રાજયભરની વાત કરવામાં આવે તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી, ડિસાનું ૧૮.૨ ડિગ્રી, બરોડાનું ૧૯ ડિગ્રી, સુરતનું ૨૪ ડિગ્રી, ભાવનગરનું ૧૯.૭ ડિગ્રી, રાજકોટનું ૧૮.૭ ડિગ્રી, પોરબંદરનું ૧૭.૫ ડિગ્રી, વેરાવળનું ૨૦.૬ ડિગ્રી, દ્વારકાનું ૨૧.૯ ડિગ્રી, ઓખાનું ૨૪.૨ ડિગ્રી, ભુજનું ૧૮.૪ ડિગ્રી, નલીયાનું ૧૫.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૯.૮ ડિગ્રી, કંડલાનું ૧૯.૨ ડિગ્રી, ગાંધીનગરનું ૧૭ ડિગ્રી, મહુવાનું ૧૮.૫ ડિગ્રી, દિવનું ૧૯.૪ ડિગ્રી, વલસાડનું ૨૦.૬ ડિગ્રી, કચ્છ-માંડવીનું ૨૦.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે ગયા બે દિવસ પારો ૧ થી ૨ ડિગ્રી નીચે જોવા મળ્યો હતો પરંતુ આજથી ફરી પારો ૨ ડિગ્રી વધતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી હતી. ડિસેમ્બર માસનાં પ્રારંભે ઠંડી જોર પકડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.