એક દિવસમાં 21,225 કેસ પોઝિટિવ: 1,16,183 એક્ટિવ કેસ, 176 વેન્ટિલેટર પર
રાજકોટ જિલ્લામાં 1754 સહિત સૌરાષ્ટ્રમાં 3352 કેસ પોઝિટિવ
અબતક-રાજકોટ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસમાં આંશિક ઘટાડા સાથે મૃત્યુદરમાં વધારો થયો છે. જેમાં ગઈ કાલે વધુ 21,225 પોઝિટિવ કેસ અને વાયરસે વધુ 16 દર્દીઓના ભોગ લીધા છે. તો રાજકોટ જિલ્લામાં વધુ 1754 કેસ સહિત સૌરાષ્ટ્રમાં કુલ 3352 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં આજે પહેલીવાર એક જ દિવસમાં 16 દર્દીના મોત થયા છે. આ સાથે નજીવા ઘટાડા સાથે 21,225 કેસ નોંધાયા છે. આમ છેલ્લા 6 દિવસમાં જ એક લાખથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 8804, વડોદરામાં 2841 અને સુરતમાં 2576 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે.
આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી.
બીજી તરફ અત્યાર સુધીમાં 8,95,730 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,16,843 એક્ટિવ કેસ છે, જેમાંથી 176 દર્દી વેન્ટિલેટર પર છે.
તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં 1754 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 3352 પોઝિટિવ કેસ અને બે દર્દીના મોત નિપજ્યા છે. જેમાં જામનગરમાં 440 કેસ, મોરબીમાં 251 કેસ, ભાવનગરમાં 440 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના વોરિયર્સ પણ ઝપેટમાં 14 તબીબો સહિત 59 કર્મીઓ સંક્રમિત
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે હવે કોરોના સામે લડતા અને દર્દીઓને નિદાન સારવાર માટે દોડધામ કરતા આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બનવા લાગ્યા છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 14 તબીબ સહિત 59 કર્મચારીઓ સંક્રમિત થઈ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાની વિગતો સાંપડે છે.
રાજકોટ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં ઝડપથી કોરોનાફેલાયો છે અને નગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવી રહેલા આરોગ્ય કર્મચારી પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આરોગ્ય સુત્રોએ કહયું હતું કે, જિલ્લામાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. તાલુકા વિસ્તારમાં ફરજ બજાવતા 15 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેટ કરાયા છે. રાજકોટ ઉપરાંત જેતપુર, ગોંડલ, પડધરી, જામકંડોરણા તાલુકામાં પણ તબીબી સ્ટાફ સંક્રમિત થયો છે.