કોરોનાના કેસ અને મૃત્યુ વધતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સાવચેતી
ભોગાત-નંદાણામાં બપોર બાદ વેપાર ધંધા બંધ
જોડિયાના જસાપરમાં ય વેપાર ધંધા પાંચ કલાક ખુલશે
જોડીયાના જસાપર, કલ્યાણપુરના ભોગાત તથા નંદાણામાં આંશિક સ્વયંભુ લોકડાઉન જાહેર કરાયું છે. કલ્યાણપુર તાલુકાના 8થી 9 હજાર વસ્તી ધરાવતા ભોગાત ગામમાં કોરોનાના 15 કેસો આવતા બપોર બાદ સ્વયંભુ ગામ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત નંદાણામાં પણ બપોરે 1 વાગ્યા સુધી જ બજારો ખૂલ્લી રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ભોગાત ગામના સરપંચે જણાવ્યું હતું કે હાલ ભોગાત ગામમાં 15થી 16 જેવા કોરોના કેસો સામે આવ્યા છે. માટે ગામમાં વધુ સંક્રમણ ના ફેલાય તે માટે ગામના દુકાનદારો સાથે મિટિંગ યોજી બપોર 1 વાગ્યા બાદ વેપાર-ધંધા અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ કોઈપણ ગ્રામજનોને શરદી માથું તાવ જેવા લક્ષણો જણાય તો તરત કોરોનાનું ટેસ્ટ કરાવા અપીલ કરી હતી.
ગામના લોકોએ જરૂરી કામ વગર બહાર ન નીકળવા તેમજ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરવા સરપંચે જણાવ્યું છે. જોડિયા તાલુકાના જસાપર ગામમાં કોરોના વધતા સંક્રમણને લઈને જસાપર ગ્રામ પંચાયત દ્વારા ગામના અગ્રણીઓ અને દુકાનદારો સાથે ચર્ચા કરી અને કરિયાણા તેમજ પાનના ગલ્લા વગેરે દુકાનના સમયમાં ફેરફાર કરી સવારે 11 થી 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે ત્યારબાદના સમયમાં તમામ દુકાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત ગામના લોકોને અગત્યના કામ સિવાય કોઈ બહાર ન નીકળવું અને જાહેર જગ્યાએ બેસવા પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. ઘરની બહાર નીકળવું અતિ આવશ્યક જણાય તો બહાર નીકળનારને માસ્ક પહેરવું અને સરકારની તમામ ગાઇડલાયનનું પાલન કરવા આ ઉપરાંત કોરીનાની રસી મૂકવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપ અને બાણુગાર ગામે પણ અગાઉ લોકડાઉનના નિર્ણય જાહેર કર્યો હતો.
મિત્રો, સગા-સંબંધીએ કામ સિવાય ઘરે ન જ આવવું: આદિત્ય પાર્કના મકાનમાં બોર્ડ લાગ્યા
શહેર તથા તાલુકા અને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસોમાં જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં રાજપાર્ક નજીક આવેલ આદિત્ય પાર્ક શેરી નં. 2માં રહેતા પારૂલબેન ગોવિંદભાઇ જોબનપુત્રાએ પોતાના ઘરની બહાર એક બોર્ડ મારી બહારથી આવતા તમામ લોકોને ઘરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને જેતે સગા-સ્નેહીઓને કામ હોય તો તેઓએ ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે. અગાઉ નર્સિગની જોબ કરતા પારૂલબેન જોબનુપત્રાએ કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને એક અનોખી પહેલ અને જાગૃતતા લોકો સામે મુકી છે કે, ઘરમાં કોઇપણ બહારની વ્યકિતન કામ સિવાય કે જરૂરી કામ હોય તેા જ ઘરની બહાર નિકળું જેથી કોરોના સામે આપણે રક્ષણ મળી રહે અને પરિવારના સભ્યોને ચેપ ન લાગે તે તકેદારીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે.
જાગૃતિ દેખાડીશું તો જ કોરોનાનો જંગ જીતી શકીશું
હાલ કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને મે મારા સૌ મિત્રો, સગા-સબંધી અને પરિચિતો કૃપા કરી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું ધ્યાન રાખશો અને મારા ઘરે ત્યાં સુધી ન આવવું જયાં સુધી ખુબ જરૂરી કામ ન હોય જે ઘરે આવ્યા વગર થઇ શકે એમ ન હોય તો અથવા તો ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે.