લઘુતમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો: ૨૩ જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે
ઉતર ભારતમાં થઈ રહેલી સતત બરફવર્ષાનાં કારણે રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે જોકે પાંચ દિવસ બાદ આજે ઠંડીનો પારો ઉંચકાયો છે. રાજકોટનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી અને નલીયાનું લઘુતમ તાપમાન ૫.૪ ડિગ્રી નોંધાયું હતું.
વહેલી સવારે આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૨ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જયારે નલીયાનું લઘુતમ તાપમાન ૫.૪ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું જયારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભારે ઠંડીનાં કારણે સવારનાં લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું. દિવસ દરમિયાન કાતિલ ઠંડી હોવાનાં કારણે લોકો પુરા દિવસ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા જોકે હજુ આગામી ૩ દિવસ સુધી ઠંડીનો દૌર ચાલુ રહેશે ત્યારબાદ ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ૨૨, ૨૩ જાન્યુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી જેટલું ઘટશે અને કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. હજુ બે દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત જ મળશે. આજે વિવિધ શહેરોનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી, ડિસાનું ૯.૮ ડિગ્રી, વડોદરાનું ૧૧.૮ ડિગ્રી, સુરતનું ૧૪.૨ ડિગ્રી, રાજકોટનું ૧૦.૨ ડિગ્રી, કેશોદ-જુનાગઢનું ૧૦.૮ ડિગ્રી, ભાવનગરનું ૧૧.૪ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૨ ડિગ્રી, વેરાવળનું ૧૫ ડિગ્રી, દ્વારકાનું ૧૪.૪ ડિગ્રી, ઓખાનું ૧૭.૯ ડિગ્રી, ભુજનું ૯ ડિગ્રી, નલીયાનું ૮.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૧.૫ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૨ ડિગ્રી, અમરેલીનું ૧૦.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૬ ડિગ્રી, મહુવાનું ૧૩.૫ ડિગ્રી, દિવનું ૧૩ ડિગ્રી, અને વલ્લભ વિદ્યાનગરનું ૧૧.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
તાલાલામાં ભુકંપનાં બે આંચકા અનુભવાયા
ઠંડીનું પ્રમાણ વધતા ભુકંપનાં આંચકામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે ૧૦:૪૧ કલાકે તાલાલાથી ૫ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૩.૧ રિકટેલ સ્કેલની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો હતો. જયારે આજે વહેલી સવારે ૬:૨૮ કલાકે તાલાલાથી ૧૮ કિલોમીટર દુર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ૧.૯ રિકટેલ સ્કેલની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનો આંચકો નહિવત હોય કોઈ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી જોકે ગઈકાલે રાતનાં આવેલ ભુકંપનો આંચકો ૩.૧ની તિવ્રતાનો હોય લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકો ભયભીત થયા છે.
કાતિલ ઠંડીથી કાલાવડનાં યુવાનનું મોત
સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી કાલાવડ-રાજકોટનાં ધોરીમાર્ગ પાસે એક હોટલ નજીક સુતેલા યુવાનનું મોત નિપજયું હતું. હાડ થ્રીજાવતી ઠંડીમાં કાલાવડના યુવાનને હાર્ટ એટેક આવી જતા મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી મુજબ હાલારમાં પારો છેલ્લા બે દિવસથી ગગડયો છે જેને લઈ હાલાર પંથકમાં એક વ્યકિતનું મોત નિપજયું છે. કાલાવડનાં યુવાનનું ઠંડીનાં કારણે હાર્ટ એટેક આવતા મોત નિપજવાનું સામે આવ્યું છે. કાલાવડનાં કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા મનસુખ મોહનભાઈ વાઘેલા નામના ૩૨ વર્ષનાં યુવાનનું ગતરાત્રીનાં કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલ હોટલ ગુરુકૃપા નજીક સુતો હતો ત્યારે ઠંડી લાગી જતા હાર્ટ એટેકથી તેનું મોત નિપજયું છે જેને લઈને પરિવારમાં શોક છવાયો છે.