- એમ.કોમ રેગ્યુલર અને એક્સ્ટર્નલ માટે 4થી અને 15મી એપ્રિલના બે ટાઈમટેબલથી વિદ્યાર્થીઓ મૂંઝાયા, 15મીથી જ પરીક્ષા લેવાશે
છબરડા માટે સિમ્બોલ લાગેલી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે, યુનિવર્સીટી સલંગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમ કોલેજો માટે જાહેર કરવામાં આવેલા ટાઈમ ટેબલમાં એમ.કોમ.સેમેસ્ટર-4ની પરીક્ષા 4 એપ્રિલે અને બીજા ટાઈમ ટેબલમાં 15 એપ્રિલથી પરીક્ષા શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવતા પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે જો કે સમગ્ર મામલે પરીક્ષા વિભાગે 15 એપ્રિલથી પરીક્ષા લેવાશે તેવી સ્પષ્ટતા કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સટી સલંગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવતી કોલેજો માટે તા.22ના રોજ જાહેર કરવામાં આવેલા ટાઈમ ટેબલમાં એક ટાઈમ ટેબલ મુજબ આગામી તા.4 એપ્રિલથી એમ.કોમ સેમેસ્ટર-4ના રેગ્યુલર અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે જયારે તા.23ના રોજ જાહેર કરવામાં આવેલા અન્ય એક ટાઈમ ટેબલમાં એમ.કોમ સેમેસ્ટર-4ના રેગ્યુલર અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે 15 એપ્રિલથી પરીક્ષા યોજાશે તેવું જાહેર કરવામાં આવતા પરીક્ષાર્થીઓ અવઢવમાં મુકાયા હતા. જો કે,પરીક્ષા વિભાગ દ્વારા એમ.કોમ સેમેસ્ટર-4ના રેગ્યુલર અને એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે 15 એપ્રિલથી પરીક્ષા યોજાશે તેવું જાહેર કર્યું છે.