સુરત પારસી સમાજે પોતાની પરંપરાગત અંતિમક્રિયા કરવા અંગે માંગી હતી હાઈકોર્ટમાં દાદ
કોરોનાને કારણે સૌપ્રથમવાર પારસી સમાજના ઈતિહાસમાં જૂની પરંપરા અને અંતિમવિધિ માટે સદીઓ જૂની પ્રથા છોડવા મજબૂર થયા છે. પારસી સમાજની અંતિમવિધિમાં મૃતદેહને પક્ષીના હવાલે કરી દેવામાં આવે છે.
પારસી સમાજનું માનવું છે કે, પારસી ધર્મની મૃત્યુ બાદ મૃતદેહને પક્ષીઓને હવાલે કરી દેવાની પરંપરા સૌથી વધુ પર્યાવરણ અનુકુળ હોવાનો દાવો કરવામાં આવે છે. પારસીઓ મૃત્યુ બાદ મૃતદેહને કુવામાં ગીધ પક્ષીને ગ્રહણ કરવા માટે નાખી દે છે અને વધેલા હાડકા, અસ્થિ કુવાની અંદર જ રાખી મુકાય છે. પારસી સમાજનું માનવું છે કે, દુનિયાના અન્ય તમામ ધર્મો કરતા વધુ પર્યાવરણલક્ષી છે.
તાજેતરમાં કોરોના સંક્રમણને લઈને પારસી સમાજને પોતાની ધાર્મિક પરંપરા મુજબની અંતિમવિધિ કરવાના બદલે દફનવિધિ કે અંતિમ સંસ્કાર માટે ફરજ પાડવામાં આવે છે. તેની સામે પારસી સમાજે નારાજગી વ્યકત કરી છે.
કોરોનાને કારણે પારસી પ્રજાના ઈતિહાસમાં મૃતદેહોની અંતિમવિધિ માટે સદીઓ જૂની પરંપરા છોડવા મજબૂર બન્યા છે અને ગાઈડ લાઈન મુજબ અગ્નિદાહ અપાઈ રહ્યો છે. સુરત અને આજુબાજુના વિસ્તારમાં મળીને અત્યાર સુધી 50 થી 60 પારસી લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં પારસી સમાજની વસતી 3 હજાર જેટલી છે. અગાઉથી ઓછી વસ્તીના કારણે ચિંતીત પારસી સમાજ માટે કોરોના વધુ ઘાતક બન્યો છે. પારસી સમાજ મૃતદેહને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપવાનો રિવાજ નથી. કુવામાં મૃતદેહને પક્ષીઓને હવાલે કરવામાં આવે છે.
સુરત પારસી સમાજે અદાલતમાં કરેલી અરજીમાં મૃતદેહથી કોરોના ફેલાતો હોવાના કોઈ પુરાવા ન હોવાથી અગ્નિ સંસ્કાર અને દફનવિધિ માટે દબાણ ન કરી શકાય. પારસી સમાજની આ અરજીને લઈ અદાલતે એવો મત વ્યકત કર્યો છે કે, પારસી સમાજને અગ્નિ સંસ્કાર કે, દફનવિધિ માટે મજબૂર ન કરી શકાય. પારસી સમાજની પરંપરા મુજબ અંતિમવિધિ મુજબ જ કોરોના કાળમાં પણ અંતિમવિધિ કરવાની મંજૂરી આપવાનો મુદ્દો અદાલત સુધી પહોંચ્યો છે.