- બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ જાહેર સભા યોજાશે: રાજકોટ શહેર અને જિલ્લામાંથી 10,000 થી કાર્યકર્તાઓ અને સમર્થકોને એકત્રિત કરવાનો ટાર્ગેટ
રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ ફાટી નીકળેલા રોષને પગલે ક્ષત્રિય સમાજ એકમાત્ર માંગ પર અડગ છે કે ભાજપ દ્વારા પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ત્રણ-ત્રણ વાર માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ નમતું તોળવા તૈયાર નથી. બીજી તરફ ભાજપે પણ ઉમેદવાર ન બદલાવવાનું મક્કમ મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.આગામી શુક્રવારે ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીનું જાહેર નામો પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત આરંભ થઈ જશે.દરમિયાન ભાજપના તમામ ઉમેદવારો 12 થી 16 એપ્રિલ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના જણાય રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગર બેઠક પર છે 19 એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપવાની અટકળો પર ભાજપે જાણે પૂર્ણવિરામ મૂકી દીધું હોય તેવું લાગી રહ્યું છે.રૂપાલા આગામી 16 એપ્રીલના રોજ ફોર્મ ભરશે.
ભાજપના અત્યંત વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર આગામી 16મી એપ્રિલના રોજ પરસોત્તમભાઈ રૂપાલા બપોરે 12 કલાક અને 39 મિનિટના શુભ વિજય મુહૂર્તે નામાંકન પત્ર દાખલ કરશે. આ પૂર્વે શહેરના રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા એક વિશાળ સભા યોજવામાં આવશે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી ભાજપના 10,000થી વધુ કાર્યકરો અને સમર્થકો ઉમટી પડે તે રીતનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરસોતમ ભાઈ રૂપાલા ફોર્મ ભરવા માટે જશે.તેઓના ડમી ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા ફોર્મ ભરે તેવી શક્યતા જણાય રહી છે.
ગઈકાલે ધંધુકા ખાતે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં આગામી દિવસોમાં રાજકોટ ખાતે મહા સંમેલન બોલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ક્ષત્રિય સમાજ રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી પર અડગ છે. બીજી તરફ ભાજપે પણ આંદોલન ઉગ્ર બને તો પણ કોઈ કાળે ઉમેદવાર ન બદલવાનો નિર્ણય લઈ લીધો હોય તેવું લાગી રહ્યું છે.આજે પરસોતમભાઈ રૂપાલાની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવતા હવે મામલો વધુ પેચીદો બની ગયો છે.