જામનગરમાં વચગાળાના જામીન ઉપર ફરાર થયેલા બંને આરોપીઓને રાજકોટ નજીકથી ઝડપી લેવાયા
જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે જામનગર તથા મોરબી જીલ્લામાં રીક્ષા ચોરીઓ તથા મો.સા.ચોરીઓના અલગ-અલગ કુલ- 12 જેટલા ગુનાઓમાં જામનગર જેલમાંથી વચગાળા જામીન પરથી ફરાર બે આરોપીઓને પકડી લઈ જામનગર જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ બન્ને આરોપીઓએ મોરબી જીલ્લામાંથી 10 ઓટો રીક્ષાઓની ચોરીઓ કરી હોવાનું બહાર આવેલ છે.
જામનગર જીલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પોલીસ અધિક્ષક, જામનગર નાઓ તરફથી આપવામાં આવેલ પેરોલ ફર્લો તેમજ નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન જામનગર જીલ્લા જેલમાંથી કાચા કામના કેદી જગદીશ ઉર્ફે જગો સામતભાઇ પરમાર સલાટ તથા કાચા કામનો બીજો કેદી વિક્રમ રામજીભાઇ પરમાર સલાટ રહે. બન્ને મુળ- જામ ખંભાળીયા, હાલ, રાજકોટ સોખડા ચોકડી પાસે, જી.રાજકોટ વાળાઓ વચગાળાના જામીન પરથી જામનગર જીલ્લા જેલ ખાતેથી ફરાર થઇ નાસતા ફરતા રહેલ, જે આરોપીઓને સ્ટાફના પો.હેડ કોન્સ. કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજાનાઓએ સંયુકત રીતે મળેલ બાતમીનાં આધારે રાજકોટ, સોખડા ચોકડી, ઝુપડપટ્ટીમાંથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.
પોલીસની તપાસમાં બન્ને આરોપીઓ અગાઉ મોરબી જીલ્લામાંથી 10 ઓટો રીક્ષાઓની ચોરીઓ કરેલ છે. તથા જામનગર જીલ્લામાંથી 1 ઓટો રીક્ષા તથા 2 મો.સા.ની ચોરીઓ કરેલ છે. જે ગુનાઓમાં અટક થઇ જામનગર જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર થયેલ હતા.