કોરોના સામેની દવામાં ચીનનું અવેજી બનતું પારમેકસ ફાર્મા

કોરોના સામે અસરકારક મનાતી એન્ટીમેલેરીયલ ડ્રગ હાઈડ્રોકસી કલોરોકિવન બનાવવા માટે જરૂરી ઈન્ટરમીડીયમ બનાવવા હડમતાળાની પારમેકસ ફાર્મા કંપની ધમધમી

જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સંજોગોમાં આ વાયરસની કોઈ ચોક્કસ દવા નથી જેના પરિણામે આ વાયરસ દિન પ્રતિદિન વધુ ઝડપે માનવ જાતને ભરખી રહ્યો છે ત્યારે હાઇડ્રોકશીક્લોરોકવિન નામનું ઇન્ટરમીડિયટ કે જે સામાન્ય રીતે મેલેરિયાની દવા છે તે કોરોના સામે લડવા માટે પણ કારગર સાબિત થઈ રહ્યું છે. તો હાલ આ મહામારીને અટકાવવા ભારતને હાઇડ્રોકસીક્લોરોકવીનની તાતી જરૂરિયાત છે. તેવા સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એકલા હાથે માંગને પહોંચી ન શકે જેના કારણે વિવિધ પ્રખ્યાત ફાર્મા કંપનીઓને હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડિયટ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રની એકમાત્ર પારમેક્સ ફાર્મા લીમીટેડ કે જે હડમતાળા મુકામે આવેલું છે તેને ઈન્ટરમીડિયટ બનવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ એકમ હાલ તમામ નફાકારક ઉત્પાદનને એક બાજુ મૂકી ફક્ત ને ફક્ત હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડીયટ બનાવી રહ્યું છે જેના માટે હાલ ૧૨૫ કુશળ કારીગરોની ટીમ સતત કાર્યરત છે. ઝાઇડ્સ કેડીલા અને પારમેક્સ ફાર્માની ટેક્નિકલ ટીમે કોમર્શિયલ અને ટેક્નિકલ ટાઇઅપ કરી આશરે ૨૦ દિવસની જહેમત બાદ ઇન્ટરમીડિયટનું ઉત્પાદન શરૂ કરી માનવસેવા શરૂ કરી છે. ત્યારે અબતક મીડિયાની ટીમે રાજકોટ – ગોંડલ હાઇવે ખાતે આવેલા હડમતાળા સ્થિત પારમેક્સ ફાર્મા લિમિટેડની મુલાકાત લીધી હતી.

DSC 1354

આ તકે એકમના ડાયરેકટર અલ્કેશભાઈ ગોસલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ૨૫ વર્ષથી ફાર્મા ક્ષેત્રે કાર્યરત છીએ. હાઈ કોસ્ટ કેમિકલ, દવાઓ અને ઇન્ટરમીડિયટ નું ઉત્પાદન કરી ડોમેસ્ટિક ક્ષેત્રે તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ કરીએ છીએ. હાલ. અમે વિશ્વની મોટી મોટી ફાર્મા કંપનીઓ જેમકે ટોરન્ટ ફાર્મા, ડીશમાન ફાર્મા, એચએલએલ ફાર્મા કે જે ભારત સરકારનું ફાર્મા ક્ષેત્રનું એકમ છે તેવા અનેક ફાર્મા કંપની સાથે અમે હાલ કાર્યરત છીએ. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે મોટા પ્રમાણમાં અમે વેપાર કરીએ છીએ પરંતુ જ્યારે દેશ કોરોના મહામારી સામેં લડી રહ્યું છે, યેનકેન પ્રકારે મહામારીમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે સૌની ફરજ છે કે તેઓ યથાશક્તિ સહયોગ આપી આ સમયે સરકારને મદદરૂપ થાય જેથી મહામારી સામે દ્રઢતા સાથે લડી આપનો દેશ બહાર આવી શકે. ત્યારે પારમેક્સ ફાર્મા લિમિટેડ દ્વારા  તમામ નફાકારક ઉત્પાદન બંધ કરી સંપૂર્ણપણે એકમને ફક્ત હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડિયટનું ઉત્પાદન કરવા લગાડી દેવામાં આવ્યું છે. જેના માટે અમે અમારી તમામ આધુનિક મશીનરી અને કર્મચારીવર્ગને આરક્ષિત રાખ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ કર્મચારીઓની અછત વચ્ચે પણ એકમની ૧૨૫ કુશળ કારીગરો તેમજ શ્રમિકોની ટીમ સતત ઇન્ટરમીડિયટ ના ઉત્પાદન પાછળ લાગેલું છે. આ કાર્યમાં ઝાયડ્સ કેડીલાની ટીમ પણ ખૂબ સહયોગ આપી રહ્યું છે. ઝાયડ્સની ટેક્નિકલ ટીમ સમગ્ર દિવસ દરમિયાન એકમ ખાતે ખડેપગે હાજર રહી પારમેક્સ ફાર્માની ટીમને ટેક્નિકલ સ્પોર્ટ આપી રહ્યું છે. હાલ દરરોજ ખૂબ મોટા જથ્થામાં હાઇડ્રોક્લોરોકસીકવીનના ઇન્ટરમીડિયટનું ઉત્પાદન કરી સપ્લાય કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.