સંસદની સુરક્ષામાં મોટી બેદરકારીના કેસમાં છઠ્ઠા આરોપી લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. આરોપી લલિત ઝા પોતે મહેશ નામના વ્યક્તિ સાથે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું છે. પોલીસે બંનેને સ્પેશિયલ સેલને સોંપ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લલિત દિલ્હીથી રાજસ્થાનના નાગૌર ભાગી ગયો હતો. તે બસમાં બેસીને રાજસ્થાન ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ તેણે હોટલમાં રાત વિતાવી હતી. ત્યારબાદ તે મહેશ નામના વ્યક્તિના સ્થાન પર પહોંચ્યો હતો. મહેશ પણ 13 ડિસેમ્બરે દિલ્હી સંસદ ભવન આવવાનો હતો. મહેશને આ કાવતરાની પૂરી જાણકારી હતી. લલિત મહેશ સાથે દિલ્હી આવ્યો અને આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હી પોલીસ પણ મહેશને શોધી રહી હતી.
લલિત ઝાએ અન્ય એક સાગરીત મહેશ સાથે દિલ્લી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ 5 આરોપીઓ સંસદમાં આવ્યા હતા. તેમાં સાગર, મનોરંજન, નીલમ અને અમોલ શિંદે સાથે લલિત ઝા પણ હતો. પરંતુ હંગામો થતાં જ લલિત સ્થળ પરથી ભાગી ગયો હતો. લલિત પાસે આ ચારેયના મોબાઈલ ફોન પણ હતા.
તમને જણાવી દઈએ કે જ્યારે બે આરોપી સાગર અને મનરંજન સંસદની કાર્યવાહી દરમિયાન અંદર પ્રવેશ્યા હતા અને બે આરોપી નીલમ અને અમોલ શિંદે બહાર વિરોધ કરી રહ્યા હતા. ત્યારે લલિત પણ સંસદની બહાર હાજર હતો. તેણે સંસદની બહાર આરોપી નીલમ અને અમોલ દ્વારા કરેલા પ્રદર્શન અને સૂત્રોચ્ચારનો વીડિયો પણ બનાવ્યો હતો. તેની પાસે તમામ આરોપીઓના ફોન હતા. લલિતે આ વીડિયો તેના એનજીઓ પાર્ટનરને પણ વોટ્સએપ કર્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો.
જ્યારે આજ તકે લલિતના નજીકના સહયોગી અને એનજીઓ પાર્ટનર નીલક્ષ આઈચનો સંપર્ક કર્યો, ત્યારે માહિતી મળી કે તે પશ્ચિમ બંગાળનો વિદ્યાર્થી છે, જે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો છે. લલિત કથિત રીતે નીલાક્ષ દ્વારા સ્થાપિત એક એનજીઓનો મહાસચિવ હતો, જેનું નામ કોમ્યુનિસ્ટ સુભાષ સભા છે. નીલક્ષે જણાવ્યું કે, લલિતે છેલ્લે સંસદની સુરક્ષાનો ભંગ કર્યા બાદ જ તેનો સંપર્ક કર્યો હતો. લલિતે બપોરે 1 વાગ્યે સંસદની બહાર થયેલા પ્રદર્શનનો વીડિયો પણ મોકલ્યો હતો.
લોકસભાની ચેમ્બરમાં કૂદી પડનારાઓમાં સાગર શર્મા અને મનોરંજન ડી. આ લોકોએ શૂન્ય કલાક દરમિયાન છલાંગ લગાવી હતી. તેઓએ પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સાગર અને મનોરંજન લોકસભાની અંદર હંગામો મચાવી રહ્યા હતા. તે જ સમયે અમોલ શિંદે અને નીલમ દેવીએ ‘તાનાશાહી નહીં ચાલે’ના નારા લગાવીને સંસદ ભવન બહાર એ જ પીળો ધુમાડો છોડ્યો હતો. જ્યારે નીલમ અને અમોલ ધૂમાડો છોડી રહ્યા હતા ત્યારે લલિત તેમનો વીડિયો બનાવી રહ્યો હતો. લલિતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો છે.