નારી સમાજની આબરૂ ન રક્ષી શકે એવા શાસકોને શાસન ચલાવવાનો હકક નહિ હોવાનો સંસદમા પડઘો
રાષ્ટ્રવ્યાપી વિરોધ અભિયાન હાથ ધરવા રાષ્ટ્રીય સંમેલન યોજવાની તૈયારી: દેશભરની મહિલાઓ એકત્ર થવાના સંકેત ! બળાત્કારીઓને પ્રજાને હવાલે કરવાનો ઉઠતો બુલંદ અવાજ !
આપણા રાજપુરૂષો અને સત્તાધીશો ભ્રષ્ટાચાર-મતિભ્રષ્ટતા સામેનાં યુધ્ધમાં પરાજિત થઈ છે એ વાત હવે કોઈથી અજાણી નથી, અને જે સરકાર ભ્રષ્ટાચાર સામેનું યુધ્ધ જીતી શકે નહિ તે કોઈ પણ દેશની સામે લશ્કરી યુધ્ધ કયાંથી જીતી શકે, એવો સવાલ શહેરોમાં તો ઠીક, ગ્રામ્ય પ્રદેશોમાં પણ ઉઠી રહ્યો છે. ભેળસેળ સામેનું યુધ્ધ જીતી શકવા અંગે પણ શંકા-આશંકા પ્રવર્તે છે.
હવે ‘બળાત્કાર’ના અંનિષ્ટે માથું ઉંચકયું છે. અને એ બેફામ રીતે વણસતું રહ્યું છે.
તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં મહિલા વેટનરી તબીબ પર બળાત્કાર બાદ તેમની નિર્મમ હત્યાથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. આજે આ મામલાની ગુંજ સંસદમાં પણ જોવા મળી હતી બંને ગૃહમાં તમામ પક્ષોના સભ્યોએ આ જધન્ય હત્યાકાંડ પર ખૂબજ નારાજગી વ્યકત કરી હતી સાંસદોએ અપરાધીઓને વહેલીતકે ફાંસી આપવા માટે કાનૂનને વધુ કઠોર કરવાની તરફેણ કરી હતી.
જયા બચ્ચન જેવા પીઢ ફિલ્મ અભિનેત્રી અને નારી સમાજના ઉત્કર્ષનો સંસદમાં અને અન્યત્ર પડઘો પાડતા રહેલા સન્નારીએ ઉઠાવેલા આ અવાજમાં સમગ્ર દેશના નારી સમાજનો અવાજ છે. એ નિ:સંદેહ છે.
સત્તાધીશો માટે આ લાલબત્તી છે.
નારી સમાજની આબરૂને રક્ષી શકે નહીં એવા શાસકોને શાસન ચલાવવાનો હકક ન જ હોવો જોઈએ એવો પડઘો સામૂહિક રીતે સંસદમાં ગૂંજયો, એનો અર્થ એજ કે, આખો દેશ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ‘મૂડ’માં છે. અને એને લગતી યોજના તૈયાર કરવા તત્પર છે.
એવો ખ્યાલ ઉપસે છે કે, દેશનો નારી સમાજ રાષ્ટ્રવ્યાપી વિરોધ અભિયાન હાથ ધરવા રાષ્ટ્રીય સંમેલન યોજવાની તૈયારીમાં છે ! દેશભરની મહિલાઓ એકત્ર થવાનાં સંકત સાંપડે છે.
બળાત્કારીઓને પ્રજાને હવાલે કરવાની જયા બચ્ચનની સંસદગૃહમાં માગણી એકરીતે અસાધારણ છે. અને એમાં બળાત્કાર સામે નિર્ણાયક યુધ્ધનો પડઘો છે જ.
આપણા દેશની સંસ્કૃતિ કેટલી હદે છિન્નભિન્ન બની ગઈ છે. એનું માપ બળાત્કારના અને નારીની અવમાનવાની ઘટનાઓ ઉપરથી નીકળી શકે છે.
બળાત્કારની ઘટનાઓ આપણા દેશ માટે ભ્રષ્ટાચાર, મતિભ્રષ્ટતા, ભેળસેળને દેશની સભ્યતા ઉપર કુઠારાઘાતથી પણ વધુ લાંછનરૂપ છે. કમનશીબે આપણા સત્તાધીશો અને રાજકર્તાઓ બળાત્કાર સામેના યુધ્ધમાં પણ પરાજિત થયાનું ચિત્ર ઉપસે છે.
હવે આખા દેશે આ યુધ્ધમાં જોડાવું પડશે એમ લાગ્યા વિના રહેતુ નથી.