તમામ વર્ગોને રાજી રાખનારા મોદી સરકારના ફુલગુલાબી વચગાળાના બજેટનો ઉગ્ર વિરોધ કરવા કોંગ્રેસની રણનીતિ: કોંગ્રેસના તમામ સાંસદોને લોકસભાના બેઠકના પ્રારંભથી અંત સુધી ઉ૫સ્થિત રહેવા તાકીદ
ટુંક સમયમાં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા તાજેતરમાં મોદી સરકારે તેનું વચગાળાનું બજેટ રજુ કર્યુ હતું. નાણામંત્રી પિયુષ ગોયલે રજુ કરેલા આ બજેટમાં અનેક ઐતિહાસિક જોગવાઇ ઓની જાહેરાત કરવામાં આવી હતી. તમામ વર્ગોને રાહતો આપતા આ ફુલગુલાબી બજેટને કોંગ્રેસે ચુંટણીલક્ષી ગણાવીને તેનો ઉગ્ર વિરોધ શરુ કર્યો છે. બે દિવસની રજા બાદ આજથી ફરી શરુ થનારા સંસદમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવા કોંગ્રેસે એકશન પ્લાન બનાવ્યો છે. જેના ભાગરુપે આજથી પાંચ દિવસ સુધી સંસદમાં ફરજીયાત પણે હાજર રહેવા કોંગ્રેસ દ્વારા તેના તમામ સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના ચીફ વ્હીપ જયોતિરાદિત્ય સિંધીયાએ આ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ સાંસદોનો આજથી ફરીથી શરુ થનારા લોકસભામાં સવારે ૧૧ વાગ્યાથી ફરજીયાત પણે ઉ૫સ્થિત રહીને સદન બરખાસ્ત ન થાય ત્યાં સુધી હાજરી આપવા વ્હીપ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદોને આ સપ્તાહ દરમ્યાન થનારા રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ અને બજેટ પરની ચર્ચામાં ભાગ લઇને પાર્ટીના નિર્ણય પ્રમાણે કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં બજેટ સત્રનો ૩૧મી જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. જેના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બન્ને ગૃહોને સંયુકત સંબોધન કર્યુ હતું. જયારે ૧લી ફેબ્રુઆરીએ ગોયલે લોકસભામાં વચગાળાનું બજેટ રજુ કર્યુ હતું.
૧૩મી ફેબ્રુઆરી સુધી ચાલનારા બજેટ સત્રમાં હવે, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ અને બજેટમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઇઓ પર ચર્ચાઓ કરવામાં આવનારી છે. સમાજના તમામ વર્ગોને ખુશ રાખનારા આ બજેટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઇઓ પર વિપક્ષો દ્વારા અનેક મુદ્દાઓ પર હવે ચર્ચા કરવામાં આવનારી છે. આ ચર્ચા ભારે ઉગ્ર બનવાની સંભાવના સેવાય રહી છે. જેથી આ ચર્ચા દરમ્યાન પોતાની તાકાત દેખાય તે માટે કોંગ્રેસે એક રણનીતી બનાવી છે. જેને લઇને કોંગ્રેસે તેના તમામ સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને આ સપ્તાહમાં ફરજીયાત પણે સંસદમાં હાજર રહેવા તાકીદ કરી છે.
ગઇકાલે પ.બંગાળમાં બનલા ઘટનાક્રમે વિપક્ષોને ફરીથી સંગઠ્ઠીત કરવાનો એક નવો મુદ્દો આપી દીધો છે. કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર ની ચીટ ફંડમાં પુછપરછ કરવા સીબીઆઇની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. જેથી ઉશ્કેરાયેલા મુખ્યમંત્રી મમતાના ઇશારે પોલીસે સીબીઆઇની ૪૦ સભ્યોની ટીમને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. આટલેથી જ અટકતા પોલીસ સ્ટાફે સીબીઆઇના કચેરીનો કબ્જો પણ લઇ લીધો હતો. જે બાદ મમતા પોલીસ કમિશ્નરના નિવાસ સ્થાન બહાર જ ધરણા પર બેસી ગયા હતા. મમતાએ કેન્દ્રની મોદી સરકાર સીબીઆઇનો દુરપયોગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મમતાએ આ સમગ્ર મુદ્દાને મોદી વિરુઘ્ધ વિપક્ષનું સ્વરુપ આપી દીધું છે. જેથી વિપક્ષોએ આ મુદ્દાને સંસદમાં કેન્દ્ર સરકારની આપખુદશાહી અને બિનલોકશાહી બાબત ગણાવીને તેનો સંસદ ઉગ્ર વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી સંસદમાં આજે આ મુદ્દા પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના રાજકીય નીરીક્ષકો જોઇ રહ્યા છે.
આ મુદ્દો ભાજપની કેન્દ્ર સરકાર વિરુઘ્ધ વિપક્ષોની રાજય સરકાર માટેનો બની ગયો હોય તમામ વિપક્ષો આ મુદ્દે સંગઠ્ઠીત થવાની સંભાવના પણ જોવામાં આવી રહી છે.
જેથી આજે સંસદમાં બજેટ ઉપરાંત પ.બંગાળના ઘટના ચક્ર પર પણ વિપક્ષો દ્વારા મોડી સરકાર પર પસ્તાળ પાડવામાં આવનારી છે. જેથી કોંગ્રેસનો તમામ સાંસદોને સંસદમાં વ્હીપ આપવાનો નિર્ણય યોગ્ય ઠરે તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકસભામાં એનડીએ પાસે પુરતી બહુમતિ હોય તેઓ વિપક્ષોના તોફાની ચર્ચા કરીને સંસદને ઠપ્પ કરી દેવાના પ્રયાસો પર ઠંડુ પાણી રેડી શકે તેવી સંભાવના છે. ગતરાત્રિથી બદલાયેલ રાજકીય ઘટના ચક્ર બાદ ભાજપે પણ સંસદની બેઠક પર પોતાની રણનીતી ઘડી કાઢી છે. જેથી આજથી સંસદના બન્ને સદનોમાં ઉગ્ર આક્ષેપો પ્રતિ આક્ષેપો થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.