પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડયું
કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું પ્રસિઘ્ધ કરી વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. શહેરનો વિસ્તાર દિન-પ્રતિદિન વિકાસની સાથે સાથે શહેરમાં વસ્તીની ગીચતા અને વસ્તીનો વધારો પણ થતો જાય છે. જેના કારણે દિન-પ્રતિદિન તે જ પ્રમાણમાં નાના-મોટા વાહનોમાં પણ ઘણો વધારો થયો છે. જેથી વાહન માલિકો દ્વારા આવા નાના મોટા આડેધડ પાર્કિંગ કરતા હોય છે જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતી જાય છે અને ઘણી બધી અવ્યવસ્થાઓ ઉભી થાય છે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ અનુભવવી પડે છે.
શહેરમાં કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા સંકલ્પસિદ્ધિ હનુમાન મંદિર પાસે ટ્રાફિક ખુબ જ થતો હોય અને ઓવરબ્રીજ ઉપરથી વાહનો નીચે આવતા હોય જેના કારણે સ્વામિનારાયણ મંદિર પાસે ટ્રાફિક જામ થતો હોય અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતી હોય જેથી ટ્રાફિક સરળતાથી અને સુચારુ રીતે ચાલે અને કોઈ ટ્રાફિક જામનો પ્રશ્નો ઉભો ન થાય તે હેતુસાર એકમાર્ગીય તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાની જરૂરીયાત જણાય છે.
મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપરના ભાગે વિરબાઈમાં મહિલા કોલેજના મેઈન ગેઈટથી સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિર તરફ આવવા માટે પ્રવેશબંધી, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપરથી મહિલા કોલેજ મેઈન ગેઈટથી આગળ ડો.ઉષાબેન મપારા ડીમ્પલ પ્રસુતી ગૃહવાળી શેરીમાં થઈ સેતુબંધ સોસાયટી તથા અન્ય જગ્યાએ તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફ જઈ શકશે. સેતુબંધ સોસાયટી તરફથી કાલાવડ રોડને જોડતો રસ્તો કે જે સ્વામિનારાયણ મંદિરની દિવાલથી કાલાવડ રોડ સુધીનો તેમજ પ્રેમવતિ રેસ્ટોરન્ટની દિવાલથી કાલાવડ રોડ થઈ સંકલ્પ સિઘ્ધ હનુમાન મંદિર સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બન્ને સાઈડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.