- પતિ અને સાસરિયાએ હત્યા નીપજાવી લાશ લટકાવી દીધાનો પરિજનોનો આક્ષેપ
વિંછીયાના બેલડા ગામની વાડીમાંથી એક પરિણીતાનો મૃતદેહ વૃક્ષમાં લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. આપઘાત જેવા બનાવમાં મહિલાના પરિજનોએ પતિ અને સાસરિયાએ જ હત્યા કરી લાશ લટકાવી દીધાનો આક્ષેપ કર્યો છે.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના બેલડા ગામે વાડીમાં લીમડાના ઝાડમાં ફાંસો ખાઈ લટકતી હાલતમાં મહિલાની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડી જરૂરી કાર્યવાહી કરી છે. મૃતકના પિતાએ જમાઈ ઉપર આક્ષેપ કર્યો છે કે, દીકરી સાથે અવાર-નવાર મારકૂટ કરતા હોય અને બે દિવસ પહેલા જ દીકરીનો તેડી જવા માટે ફોન આવ્યો હતો અને અમે તેડવા માટે ગયા હતા ત્યારે સમાજના પાંચ સભ્યો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. અને બીજા દિવસે બપોરે બનાવની જાણ અમને થઇ હતી. આથી જમાઈએ જ દીકરીને મારીને લટકાવી દીધી છે તેવો આક્ષેપ લરવામાં આવ્યો છે. આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ બેલડા ગામે રહેતા કૈલાસબેન વિશાલભાઈ તલાવડીયા (ઉ.વ.24) નામની પરિણીતાની લાશ ગત બપોરે પોતાની જ વાડીના લીંબડે ગળેફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવતા બનાવની જાણ જસદણ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતકનું માવતર ગઢડાના કેરાળા ગામે છે અને ચાર બહેન બે ભાઈમાં મોટી હતી. પાંચ વર્ષ પહેલા જ બેલડા ગામે રહેતા વિશાલ તલાવડીયા સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્રો છે. બનાવને લઈને સાસરિયાએ પુત્રવધુએ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું. જયારે કેરાળા ગામે રહેતા પિતા બીજલભાઈ ડેકાણીએ જમાઈ સામે દીકરીને મારી નાખ્યાનો આક્ષેપ કર્યો છે.
અવાર નવાર દીકરીને મારકૂટ કરતા હતા અને જુગારની ટેવ ધરાવતા હોવાથી તેના દાગીના પણ વેચી નાખ્યા હતા. બે દિવસ પહેલા જ દીકરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મને અહીં થી તેડી જાવ આથી અમે બીજા દિવસે પાંચ માણસો સાથે ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન સમાધાન થયું હતું. ગઈકાલે બપોરે પાછો ફોન કર્યો હતો ત્યારે અમને એવું કીધું હતું કે, કૈલાસ વાડીમાં કામે ગઈ છે આવે એટલે વાત કરાવીશું. એ પછી આપઘાત કરી લીધો હોવાનો ફોન આવ્યો હતો. આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.