- એકલવાયું જીવન જીવતા યુવકે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
Rajkot : રાજકોટ શહેરના બાબરીયા નજીક પારસ મેઈન રોડ,મોરારીનગર સોસાયટી શેરી નં. 7 માં રહેતા એકલવાયું જીવન જીવતા યુવકે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ પગલું ભર્યું.જ્યારે મોરબી રોડ,રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટી શેરી નંબર 3 માં રહેતા પરિણીતાએ અકળ કારણસર અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતા બે સંતાનોએ મતાની મમતા ગુમાવી છે.
રાજકોટ શહેરના બાબરીયા નજીક પારસ મેઈન રોડ,મોરારીનગર સોસાયટી શેરી નં. 7 માં રહેતા શાંતિલાલ ડાયાભાઈ ચૌહાણ (ઉં.વ.36) નામના યુવકે પોતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવાર દ્વારા જાણવા મળેલ વિગત અનુસાર, શાંતિલાલ એકલવાયું જીવન જીવતા હતા.છેલ્લા એકાદ માસથી મગજ ભમતું હોય અને બેચેની થતી હોય એવું કહેતા જેથી પરિવારે તબીબ પાસે લઈ જઈ તેમનું નિદાન કરાવ્યું હતું.બે દિવસથી તેઓ દવાઓ પણ લઈ રહ્યા હોય,આમ છતાં ગઈ કાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓએ ઘરે પગલું ભરી લેતા મોત નિપજ્યું હતું.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકના મોટા ભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (રહે.ગાંધીનગર સોસાયટી 3/5 ના ખૂણે) અને તેમના પત્ની ઘરની સાફ સફાઈ કરવા હેતુ આવ્યા હોય,અને શાંતિલાલને લટકતી સ્થિતિમાં જોઈ સ્તબ્ધ રહી ચૂક્યા હતા.બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.એસ. ગોહિલ સહિતના સ્ટાફે સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યું હતું.મૃતક શાંતિલાલ અપરણિત છે.તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા અને કડિયા કામ કરતા હતા.પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે આપઘાતના અન્ય બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મોરબી રોડ, રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટી શેરી નંબર 3માં રહેતા દયાબેન દિલીપભાઈ પીપળીયા (ઉં.વ.38) નામના પરિણીતાએ ગઈ કાલે પોતાના ઘરે હતા ત્યારે, અગમ્ય કારણસર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાટી આગ ચાંપી આપઘાત કરી લેતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં ચાલુ સારવારમાં પરિણીતાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા એ.એસ.આઈ કે.સી. સોઢા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકને સંતાનમાં પુત્ર-પુત્રી છે.પતિ દિલીપભાઈ ઇમિટેશન માર્કેટમાં નોકરી કરે છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.