કોઠારીયા રોડ પર પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું: પરિવારમાં કલ્પાંત
રજાના દિવસે પતિએ બહાર ફરવા જવાની ના પાડતા બંને પરિણીતાએ આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
શહેરમાં નજીવી બાબતે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ગઈ કાલે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ પર રજાના માહોલમાં શહેરના બે સ્થળોએ આપઘાતની બે ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા મેઇન રોડ પર આશાપુરા સોસાયટીમાં અને રૈયા રોડ પર કૈલાશધારા પાસે રહેતી પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં બંને પરિણીતાને બહાર ફરવા જવાની નજીવી બાબતે લાગી આવતા જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર કૈલાશધારા પાર્કમાં રહેતી શ્રદ્ધાબા વિરેન્દ્રસિંહ વાઘેલા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક શ્રદ્ધાબા વાઘેલાને સંતાનમાં એક પુત્રી છે અને ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની રજા હોવાથી તેણીને બહાર ફરવા જવું હતું. પરંતુ પતિ વિરેન્દ્રસિંહ વાઘેલા બહાર ફરવા નહીં લઈ જતા પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે અન્ય બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતી યોગેશ્વરીબેન ચેતનભાઇ મકવાણા નામની 34 વર્ષની પરિણીતા રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.