લાલપુરની એક પરિણીતાએ પ્રેમી સાથે મળી તેના બે સંતાનોને કૂવામાં ફેંકી દીધા હતા જેના પોલીસે સગડ શોધી કાઢયા પછી આ કેસ ચાલી જતાં અદાલતે તે પરિણીતા અને પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે.લાલપુરના પ્રકાશભાઈ ભીમજીભાઈ નામના વ્યક્તિએ વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં પોતાના બે બાળકો ગુમ થયાની પોલીસને જાણ કર્યા પછી પોલીસે હાથ ધરેલી તપાસમાં તેઓની પત્ની શિતલ તથા રમેશ નાથા નામના બે વ્યક્તિઓની અટકાયત કરી હતી.
આ વ્યક્તિઓની પૂછપરછમાં તેઓએ પોતાના પ્રેમસંબંધના કારણે સાથે રહેવાના સપના જોઈ આડખીલી બનતા પ્રકાશ તથા શિતલના સંતાન સુજલ (ઉ.વ.પ) અને યશ (ઉ.વ.રર)ને કૂવામાં ફેંકી દઈ તેઓની હત્યા નિપજાવ્યાનું બહાર આવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૧૨૦ (બી) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોકત કેસ ચાલી જતાં સરકાર પક્ષ તરફથી રોકાયેલા પી.પી. રાજેશ રાવલની દલીલોને માન્ય રાખી અદાલતે આરોપી શિતલ તથા રમેશ નાથાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.