દ્વારકા નગરપાલિકાને પત્ર લખી કહ્યું, પહેલા ચારેય દિશામાંથી પાંચ કી.મી. દુરથી જગતમંદીર તથા ઘ્વજાના દર્શન થતાં હતા…
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદીરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમીતીના પૂર્વ ઉપાઘ્યક્ષ અને ઝારખંડના સાંસદ તેમજ રીલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ પરીમલભાઇ નથવાણી દ્વારા તાજેતરમાં દ્વારકા નગરપાલીકાને સંબોધત પત્ર લખી જગતમંદીર આસપાસ નિયમોનો ભંગ કરી ગેરકાયદે ઉંચી ઇમારતોનો ખડકલો થઇ રહ્યા અંગે દુ:ખ વ્યકત કરી આવી પ્રવૃત્તિઓ સત્વરે રોકવા ઘટતું કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
આ અંગે દેવસ્થાન સમીતીના પુર્વ ઉપાઘ્યક્ષ પરીમલભાઇ નથવાણીએ કરેલી રજુઆતમાં જણાવેલ કે છેલ્લા થોડા સમયમાં દ્વારકાધીશ જગત મંદીરની ગરીમાને હાનિ પહોંચે એ રીતે મંદીર આસપાસ આડેધડ બાંધકામો થઇ રહ્યા છે. બાંધકામનો રાફડો ફાટયો હોય લોકો રહેણાંક મકાનને વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરવા મકાનની ઉંચાઇ વધારી રહ્યા છે. જેના કારણે દૂરથી જગતમંદીરના શિખર તથા ઘ્વજાજીના દૂરથી દર્શન કરવાનું સૌભાગ્ય દર્શનાર્થીઓને પ્રાપ્ત થતું નથી. એક સમય એવો હતો જયારે દ્વારકાથી કોઇપણ દિશમાં ચાર-પાંચ કી.મી. દુરથી જ જગતમંદીરના શિખર તથા ઘ્વજાજીના દર્શન થઇ શકતા હતા જે આજે દુલભ છે.
પરિમલભાઇએ વધુમાં જણાવેલ કે ગેરકાયદે બાંધકામોથી ગીચતા વધતા દ્વારકાધીશ મંદીરના શીખર તથા ઘ્વજાજીની ભવ્યતામાં ઓછપ આવી રહી છે. જો આવા બાંધકામ પર રોક લગાવવામાં નહી આવે તો શીખર તથા ઘ્વજાજી સંપૂર્ણપણે ઢંકાઇ જાય તેમ હોય અને વહીવટીતંત્રની નજર હેઠળ થઇ રહેલા બાંધકામ તથા દબાણને કારણે લીરા ઉડી રહ્યા હોવાનું જણાવી જગતમંદીરથી પ્રતિબંધિત ૧૦૦ મીટર તથા ૩૦૦ મીટરના દાયરામાં બાંધકામને મંજુરી રસ્તાની પહોળાઇ અનુરુપ મકાનો તથા એફ.એસ.આઇ. વગેરે સર્વસ્વીકૃત નિયમોનો કડક હાથે અમલ કરાવવાની જવાબદારી વહીવટીતંત્રની હોવાનું જણાવ્યું હતું.
નિયમોના ભંગથી થયેલા દબાણોથી રસ્તાઓ સાંકડા અને ટ્રાફીકના પ્રશ્ર્નો વધવાની સાથે આકસ્મિક ઘટના સમયે સુરક્ષીત બહાર નીકળવું તથા રાહત-બચાવ કાર્ય માટે ફાયર બ્રીગેડ કે અન્ય એજન્સીઓને ઘટનાસ્થળે સમયસર પહોચવું લગભગ અશકય બની ગયાનું જણાવી વિકાસના આંચળા હેઠળ ગેરકાનુની અને નિયમોને નેવે મૂકી થતાં બાંધકામ અટકાવવા જરુરી હોવાનું પણ તેમણે જણાવ્યુઁ હતું.
ગેરકાયદે બાંધકામો અટકાવવા મીટીંગ મળી
પરીમલભાઇની આ રજુઆત બાદ ખંભાળીયા ખાતે તાજેતરમાં જીલ્લા કલેકટર એચ.કે. પટેલની અઘ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મંદીરની આસપાસ નિર્માણધીન ૧૦૦ મીટર તથા ૩૦૦ મીટરની મર્યાદામાં થતાં બાંધકામો સામે કડક રીતે નિયમોની અમલવારી કરવાનું સુચવવામાં આવ્યું હતું. આ મીટીંગમાં દ્વારકા નગરપાલીકાના ચીફ ઓફીસર તથા અન્ય પ્રતિનિધિઓ, પુરાતત્વ વિભાગના વડોદરા તથા દ્વારકા ખાતેના પ્રતિનિધિ, પ્રાંચ ઓફીસર ભાવીનભાઇ સાગર, સહીતના અધિકારીગણની ઉ૫સ્થિતિમાં કલેકટર એચ.કે. પટેલ દ્વારા આવા ગેરકાયદે ચાલતા બાંધકામો તાત્કાલીક ધોરણે રોકવા સુચના આપેલ હતી. આ ઉ૫રાંત જે લોકોએ બાંધકામની જે હેતુ માટે મંજુરી આપી છે તે મુજબનું જ બાંધકામ થયું છે કે નહિ તેની પણ ઝીણવટભરી તપાસ કરવાનું જણાવી પુરાતત્વ વિભાગ તથા નગરપાલીકા દ્વારા સંયુકતપણે આવા બાંધકામોનો સર્વે કરી રીપોર્ટ તૈયાર કરી સત્વરે કલેકટરશ્રને સુપ્રત કરવા જણાવવામાં આવ્યું હતું.