ગૌચરની જમીનને સ્વપાર્જિત કરી સીસીરોડ બનાવતા કલેકટર લાલઘૂમ, પાલિકા સામે ગાંધીનગરમાં રિપોર્ટ
ગૌચરની જમીનને સ્વપાર્જિત કરી સીસીરોડ બનાવતા કલેકટર લાલઘૂમ, પાલિકા સામે ગાંધીનગરમાં રિપોર્ટ
ગૌચરની જમીનમાં ડુડાની પરવાનગી વગર ત્રણ પાર્ટ પાડી મોટા માથાઓની જમીન સુધી રોડ ખડકી દેવાનું પ્રકરણ ખુલ્લું પડતા ભારે ખળભળાટ
સતાના સૂત્રો પહેલાં જ પરેશ ધાનાણીના બંધુએ સતાનું અતિક્રમણ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરેશ ધાનાણીના ભાઈએ પોતાની ખાનગી જમીન સુધી જવામાં સરળતા રહે તે માટે પાલિકા પાસેથી રૂ. ૬૧ લાખના ખર્ચે ગૌચરની જમીન ઉપર સીસી રોડ બનાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ પ્રકરણ ખુલ્લું પડતા કલેકટર પણ હરકતમાં આવ્યા છે અને તેઓએ પાલિકા સામે ગાંધીનગરમાં રિપોર્ટ પણ કર્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર અમરેલી પાલિકાએ ગૌચરની સર્વે નં. ૯૦૭/૨ની હે.આરે. ચો.મી. ૭-૬૭-૧૦ જમીનમાં ગેરકાયદે રોડ બનાવી નાખ્યો હતો. બાદમાં સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરતા આ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. નાથાલાલ સુખડીયાના જણાવ્યા પ્રમાણે નામદાર હાઇકોર્ટ દ્વારા કલેકટરને ૬ અઠવાડિયામાં નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે કલેકટર દ્વારા સર્વે હાથ ધરતા માલુમ પડ્યું હતું કે હકકિતમાં આવો કોઈ રસ્તો છે જ નહીં. આઝાદી મળ્યાને આજ દિન સુધી કોઈ સરકારી વાહનો આ રસ્તેથી ચાલ્યા હોય તેનો પુરાવો આપવા પણ કલેકટરે નગરપાલિકાને તાકીદ કરી હતી.
નિયમ મુજબ ૨૫ લાખના વિકાસ કામે ડુડા શાખા, કલેકટર સહિતની મંજૂરી લેવી પડે પરંતુ આ મંજૂરી ન લેવી પડે તે માટે નગરપાલિકાએ ભેજુ વાપરી ૬૧.૧૫ લાખના રોડ ત્રણ ટુકડે બનાવ્યા. કુકાવાવ ઓક્ટ્રોયથી વડેરા રોડના ત્રણ પાર્ટ પાડી આ રોડનું નિર્માણ કરાયું છે.આ રોડ કોઈ સામાન્ય નાગરિકોને ઉપયોગી નથી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધીરજલાલ ધાનાણી સહિતના ૧૩ મોટા માથાઓની ભાગીદારીની સર્વે નં. ૯૪૩ અને ૯૪૮માં ૨૭ વિઘા જેવી ઔદ્યોગિક હેતુની જમીન આવેલ છે. તેઓના ઈશારે જ આ રોડ બનાવવામાં આવ્યો છે.
આમ મોટામાથાના ઇશારે પાલિકાએ નિયમો નેવે મૂકીને રોડનું કામ કર્યું હોય જાહેરહિતની અરજી થયા બાદ કલેકટર તંત્રએ હરકતમાં આવીને પાલિકા સામે કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં જિલ્લા કલેકટર દ્વારા પાલિકા વિરુદ્ધ ગાંધીનગરમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી સ્થાનીક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.