શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે, શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની તથા પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા સોમનાથ સંસ્કૃત યુનિ.ના પરીક્ષા નિયામક શ્રી યોગેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં, શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, શ્રી અર્જુનાચાર્ય,તેમજ વનરાજભાઇની આગેવાની નીચે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનો વાર્ષિક દિન અને માતૃ પિતૃ વંદનાનો હૃદયગમ્ય કાર્યક્રમ યોજાયો હતો.
પુરાણી ભક્તિપ્રકાશદાજી સ્વામી, કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, અશ્વિનભાઇ આણદાણી વગેરેએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી
સાંજે ચાર કલાકે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ભૂદેવોના મંગળ વેદગાન સાથે, તમામ ૧૫૦ ઋષિકુમારોએ પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ, ત્યાર બાદ બાળકોએ માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી હતું.
શા. માધવપ્રિયદાસજી સ્વામી બહાર સત્સંગ વિચરણ કરતા હોવાથી વિડીયો માધ્યમથી જણાવ્યું હતું કે ભારતના તમામ ધર્મો માતા પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદો પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ – માતાપિતાને દેવ માની તેના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે.
શિક્ષણ અને અધ્યાત્મ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન માટે પંડ્યા હાર્દિકને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું
આ પ્રસંગે શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે ઋષિકુમારોના ૩૦૦ જેટલા માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા.