જૂન-2022ના નવા શૈક્ષણિક સત્રોનો પ્રારંભ થયોને આગામી સોમવારથી તમામ ધો.1 થી 12ની શાળા ખુલતી હોવાથી વાલીઓ પોતાના સંતાનો માટે સ્કુલ ડ્રેસ લેવા માટે ડ્રેસની દુકાને ઉમટી પડ્યા હતા.
ઊંચ-નીચના ભેદભાવ મીટાવવા અને શિસ્ત વ્યવસ્થાના ભાગરૂપે એક સંવાદિતા સર્જાઇ તે માટે શાળામાં ‘સ્કુલ ડ્રેસ’ ફરજીયાત હોય છે. સોમવાર ખુલતી શાળાને હવે બે દિવસ બાકી હોય વાલીઓએ ડ્રેસની દુકાને પડાપડી કરી મુકી હતી. દરેક શાળાનો અલગ-અલગ ડ્રેસ કોડ હોવાથી તેને શોધવા અને રંગકાપડની પસંદગી સાથે તૈયાર ડ્રેસનું રંગીલા રાજકોટનું બજાર અત્યારે ગરમીવાળું જોવા મળી રહ્યું છે.
હાલના યુગમાં તો સરકારી શાળામાં પણ બધા જ બાળકોના ડ્રેસકોડ જોવા મળી રહ્યા છે. અત્યારે વાલીઓ પોતાના સંતાનોની સાઇઝ વાઇઝ તૈયાર ડ્રેસ લેવાનું પ્રથમ પસંદ કરતા હોય છે. અમુક શાળા કે કોલેજના છાત્રોને નવા યુગના જીન્સ-ટી શર્ટનો ડ્રેસ હોવાથી છાત્રોને પહેરવા પણ ગમે છે.
શાળાના શૈક્ષણિક વર્ષમાં શિક્ષણ અભ્યાસમાં ડ્રેસનું મહત્વ હોય છે. શાળા બહારની વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટમાં ડ્રેસ ઉપરથી જ શાળા ઓળખ થતી હોવાથી પણ તેની ઉપયોગીતા જોવા મળે છે. અત્યારે ડ્રેસ બઝારોમાં પણ મોંઘવારી અસરને કારણે તેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સત્રના પ્રારંભે પાઠ્યપુસ્તક, ડ્રેસ પુસ્તકો અને શાળાની ફિ વાલીઓ માટે ‘ટેન્શન’ હોય છે.