- વેકસીન ન લેનાર બાળકોની સંખ્યામાં ભારત વિશ્ર્વમાં ત્રીજા ક્રમે: યુનિસેફે જાહેર કર્યો રિપોર્ટ
બાળકોને ભવિષ્યમાં થનાર રોગોથી બચાવવા માટે વેકસીનેશન ખૂબ જરૂરી છે. પણ અપૂરતી આરોગ્ય સુવિધા અને જાગૃતિના અભાવે તેમજ વાલીઓની આળસ વૃત્તિઓને કારણે દેશના 16 લાખ બાળકો એવા છે કે જેમને એકેય વેકસીન જ લીધી નથી.
યુનિસેફના અહેવાલ અનુસાર, વર્ષ 2023માં રસી વિનાના બાળકોની સંખ્યામાં ભારત બીજા ક્રમે છે. અહીં 16 લાખ બાળકો એવા છે જેમણે કોઈ રસી નથી લીધી. નાઈજીરિયા નંબર વન પર છે જ્યાં આવા બાળકોની સંખ્યા 21 લાખ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુનિસેફના એક રિપોર્ટમાંથી આ માહિતી મળી છે. આ રિપોર્ટમાં 1 જુલાઈ, 2024 સુધી દેશો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે વર્ષ 2023 માટે રસીકરણ કવરેજનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ માટે વિશ્વ બેંકના 2024 માટેના વિકાસ સૂચકાંકો અને સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિભાગના 2024ના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષની સરખામણીમાં કોઈપણ રસીકરણ વગરના બાળકોની સંખ્યામાં થોડો વધારો થયો છે. હવે આવા બાળકોની સંખ્યા 1 કરોડ 39 લાખથી વધીને 1 કરોડ 45 લાખ થઈ ગઈ છે. આ સંખ્યા પણ વર્ષ 2019 કરતા 17 લાખ વધુ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક બાળકો પ્રથમ રસી લીધા પછી ત્રીજી રસી નથી મેળવી શકતા. આ રીતે, 2023 માં રસીકરણ વિનાના અથવા અપૂર્ણ રસીકરણ વિનાના બાળકોની કુલ સંખ્યા વધીને 2 કરોડ 10 લાખ થઈ છે, જે અગાઉના આંકડા કરતાં 27 લાખ વધુ છે.
ભારતમાં ઓરીની રસી વિનાના બાળકોની સંખ્યા પણ ત્રીજા સ્થાને છે. આવા બાળકોની સંખ્યા 16 લાખ છે. નાઈજીરીયા (28 લાખ) અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (20 લાખ) પ્રથમ અને બીજા સ્થાને છે. વિશ્વભરના તમામ રસીકરણ વિનાના બાળકોમાં દસ દેશોનો હિસ્સો 55% છે, અને ભારત તેમાંથી એક છે.