જશાપરમાં વડીલ અભિવંદનામાં 200 વડીલોનું સન્માન કરાયું:રેખાબેન માસક્ષમણ તપમાં જોડાયા
અબતક,રાજકોટ
જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરૂદેવની મનભાવન નિશ્રામાં પ્રથમવાર વડીલ અભિવંદના સમારોહનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં ભાણવડ, લાલપુર, જામજોધપુર સહિત 200 ભાઈ બહેનોનું મુગટ પહેરાવી સન્માન કરેલ.
પૂ. ગુરૂદેવે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે પાણીની કિંમત રણપ્રદેશમાં અન્નની કિંમત દુષ્કાળમાં, પ્રકાશની કિંમત અંધકારમાં તેમ મા-બાપની કિંમત ગેરહાજરીમાં થાય છે. પરંતુ જે સંતાન જીવતા મા-બાપની કિમંત કરે છે. તે સંતાન શ્રેષ્ઠ છે. માતા-પિતાને એલોપથી, હોમિયોપેથીની નહીં માત્ર સિમ્પથીની જરૂર હોય છે. વધુમાં ઉમેર્યું હતુ કે ફાધર એન્ડ મધરને સહુ પ્રથમ પ્રેમ કરતા શીખો.
સમારોહ પ્રમુખ વિક્રમભાઈ દેસાઈએ વ્યસન ત્યાગની પ્રેરણા કરેલ. વર્ષાબેન દેસાઈ અને પ્રાથમિક શાળાની બાલિકાઓએ ગીત રજૂ કરેલ. મુખ્ય મહેમાન પિયૂષભાઈ અને અલ્પનાબેન ઉદાણી, આર્કિટેકટ અશ્ર્વીનભાઈ અને આરાધનાબેન દેસાઈ તથા ડો. જિતેશ ટોલીયા સન્માન કરાયું હતુ.
વડીલોનું સંઘપૂજન સોલાપુરી ચાદર, કેરીબેગથી બહુમાન કરાયા બાદ સહુ પ્રસાદ લઈ પ્રમોદભાવે વિખરાયા હતા. સૂત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ. જન્માષ્ટમી બેનરમાં 108 ભાવિકોએ લાભ લીધેલ.