- સમાજ ક્યાં જઈ રહ્યો છે?
- ‘અનિયંત્રિત’ મોબાઈલ પર ઉપલબ્ધ પોર્નોગ્રાફીએ બાળકને હેવાન બનાવી નાખ્યો
મધ્યપ્રદેશમાં એક અત્યંત ક્રૂર અને આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. જેમાં ફક્ત 13 વર્ષના બાળકે પોતાની સગી નાની 9 વર્ષીય બહેન પર દુષ્કર્મ આચરી ક્રૂરતાપૂર્વક બહેનને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. 13 વર્ષના બાળક ઓનલાઇન પોર્નોગ્રાફીના વિડીયો જોઈને હેવાન બન્યો હોય તેવું પ્રાથમિક અનુમાન છે. મામલામાં જયારે બાળકે અત્યંત ક્રૂર ગુન્હો આચર્યો ત્યારે આ ક્રૂર હરકતમાં પુત્રને બચાવવા ખામોશ રહેનાર માતા અને બે બહેનોને પણ મદદગારી સબબ સહઆરોપી બનાવી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના રીવામાં બનેલી એક ઘટનાએ સમાજની સામે અનેક સવાલો ઉભા કર્યા છે. 13 વર્ષના તરુણએ મોબાઈલમાં પોર્ન વિડીયો જોયા બાદ રાત્રે તેણે તેની નવ વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પછી તેની માતાની નજર સામે જ માસુમ બહેનનું ગળું દબાવી દીધું હતું. બાદમાં સમગ્ર પરિવાર મામલો દબાવવામાં લાગી ગયો હતો. માત્ર પાડોશીઓને જ નહીં પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે આ ભેદ ઉકેલાઈ ગયો અને પોલીસે 13 વર્ષના છોકરાની સાથે તેની માતા, એક પુખ્ત અને સગીર બહેનને આરોપી બનાવ્યા છે.
રીવાના એસપી વિવેક સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. રીવા જિલ્લાના જાવા ગામમાં 24 એપ્રિલ 2024ના રોજ ઘરના આંગણામાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે બાળકી તેના ભાઈ અને માતા સાથે આંગણામાં સૂતી હતી. માતાની તબિયત લથડી હતી. આ કારણોસર તે સુવા માટે રૂમમાં ચાલી ગઈ હતી. પડોશીઓને કહ્યું કે કોઈ જંતુ કરડ્યું છે. પરંતુ ડોક્ટર પાસે જતાં જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બળાત્કાર બાદ હત્યાની શક્યતા જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે એસઆઈટીની રચના કરી કેસનો ભેદ ઉકેલ્યો હતો. મામલો સામે આવ્યા બાદ એડિશનલ એસપી વિવેક લાલના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે માતા, 13 વર્ષના ભાઈ, 18 અને 17 વર્ષની બે બહેનો સહિત લગભગ 50 લોકોની પૂછપરછ કરી હતી જેઓ ઘટના સમયે ઘરમાં હાજર હતા. એસઆઈટીને તપાસ દરમિયાન જ પરિવાર પર શંકા ગઈ હતી. એસઆઈટીને ઘરમાં કોઈ બહારની વ્યક્તિ આવવાના કોઈ જ પુરાવા મળ્યા ન હતા. જે બાદ પોલીસે 13 વર્ષના તરુણના મોબાઈલની તપાસમાં જાણવા મળ્યું કે તેણે ઓનલાઇન અશ્લીલ વીડિયો જોયા હતા. જે બાદ એસઆઈટીએ આકરી પૂછપરછ શરૂ કરતા એક પછી એક પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતા અને સત્ય સામે આવ્યું હતું.
પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ બનાવની રાત્રે ભાઈ-બહેન આંગણામાં સૂતા હતા. ભાઈએ મોબાઈલમાં ગંદો વીડિયો જોયો હતો અને ત્યારબાદ તેણે તેની બહેનનું મોં દબાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે છોકરીએ કહ્યું કે તે આ બધી ઘટનાની વાત પિતાને કરી દેશે તો ગભરાઈ ગયેલો હેવાન ભાઈ બધું ડરી ગયો હતો. તેણે માસુમ બહેનનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તેણે તેની માતાની સામે જ બહેનનું ગળું દબાવી હત્યા કરી હતી. કોઈ કંઈ સમજે તે પહેલા અવાજ સાંભળીને બંને બહેનો પણ ત્યાં આવી ગઈ હતી. આખા પરિવારે દુષ્કર્મ અને હત્યાનો બનાવ જોયસ બાદ ઘટનાને છુપાવવા માટે એક સ્ટોરી ઉભી કરી હતી. પરંતુ પોલીસની તપાસમાં સાચી હકીકત સામે આવતા ક્રૂર હત્યારા ભાઈ, માતા અને બે બહેનોને જેલ હવાલે કર્યા હતા.
આવો બનાવ જયારે સામે આવ્યો છે ત્યારે મોટો સવાલ એ ઉદભવ્યો છે કે, ટેક્નોલોજીનો આ યુગ આપણા સમાજને ક્યાં લઈને જઈ રહ્યો છે? એકતરફ બહેનો ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી તે ભાઈ પોતાની રક્ષા કરશે તેવા દાખલા અને પરંપરા ધરાવતો આપણો સમાજ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.