રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો
મહિલા સશક્તિકરણ અર્થે રાજ્ય સરકાર મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સ્તુત્ય પ્રયાસો કરી રહી છે. જેમાંનો એક પ્રયાસ એટલે “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના. જે અંતર્ગત રાજકોટની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અનેક પ્રોત્સાહક પગલાઓ અને જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
રાજકોટના મહિલા અને બાળ વિભાગ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અન્વયે દીકરીના જન્મદરમાં વધારો કરવા અને તેનું મહત્વ સમજાવવા દીકરી જન્મોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૩૦૦ જેટલી દીકરી વધામણા કીટ આપીને માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળ દિવસ, નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તેમજ મહિલા દિવસ નિમિત્તે રાજકોટની સરકારી હોસ્પિટલોમાં પણ જિલ્લાના મહિલા અને બાળ વિભાગ દ્વારા દીકરી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરીને માતા-પિતાનું સન્માન કરવામાં આવે છે.