બોગસ સ્ટેટમેન્ટ બનાવી સીસી લોન અને ટર્મ લોન લઇ પાંચ શખ્સોએ કૌભાંડ આચર્યુ
મોરબી રોડ પર આવેલા કાગદડી પાસેના પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ રેસકોર્ષ પાસે આવેલી દેના બેન્કમાં બોગસ સ્ટેટમેન્ટ રજુ કરી રૂ.૭.૨૫ કરોડની સીસી લોન અને ટર્મ લોન લઇ હપ્તા ન ચુકવી કૌભાંડ આચર્યાની પાંચ શખ્સો સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેસકોર્ષ દેનાબેન્કના મેનેજર રાજુલ હાથીએ કોઠારિયા રોડ પરની અયોધ્યા સોસાયટીના જયંતીલાલ લીંબાસીયા, કાગદડીના નાગજી શામજી લીંબાસીયા, સેટેલાઇટ પાર્કના દિનેશ ઠાકરશી લીંબાસીયા, કુવાડવા રોડ શિવરંજની પાર્કના ભરત ઠાકરશી લીંબાસીયા અને કુવાડવા રોડ ગુ‚દેવ પાર્કના હિતેશ ઠાકરશી લીંબાસીયા સામે રૂ.૭.૨૫ કરોડનું લોન કૌભાંડ આચર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી રોડ પર કાગદડી પાસે પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી બનાવી ૨૦૧૩માં દેના બેન્કની રેસકોર્ષ બ્રાન્ચમાં બોગસ સ્ટેટમેન્ટ રજુ કરી રૂ.૬ કરોડની સીસી લોન અને રૂ.૧.૪૭ કરોડની ટર્મ લોન લીધી હતી. પાંચેય શખ્સોએ બેન્કમાં જામીનગીરી રજુ કરી લોન મેળવ્યા બાદ નિયમીત હપ્તા ન ભરી બેન્ક સાથે છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એચ.બી.ધાંધલ્યા સહિતના સ્ટાફે પિતૃકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો અને જામીનગીરી રજુ કરનાર પાંચેય સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી રૂ.૭.૨૫ કરોડનું લોન કૌભાંડ આચર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.