ગાંધીગ્રામની ડો. ઉચ્છરંગરાય ઢેબર પ્રાથમિક શાળા નં. ૯૦ માં શાળા પ્રવેશોત્સવ સંપન્ન: કુલ ૬૪ બાળકોનું નામાંકન
અત્રે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો. ઉચ્છરંગરાય ઢેબર પ્રાથમિક શાળા નં. ૯૦ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
આંગણવાડીમાં ૧૪ અને ધો. ૧ માં ૫૦ મળીને કુલ ૬૪ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતા પૂર્વધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોના ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દીના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની સાથે વાલીઓએ પણ સક્રિય યોગદાન આપવું પડશે.
વાલીઓએ બાળકોના દૈનિક શિક્ષણ કાર્યમાં અંગત રસ લેવો પડશે.બાળકોની સુષુપ્ત શક્તિઓ અને ખૂટતી બાબતોથી પણ અવગત રહેવું પડશે.
તેમણે આ તકે આ વિસ્તારમાં રહેતા પ્રવેશપાત્ર એક પણ બાળક નામાંકનથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષકોને જોવા ખાસ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહાનગરપાલિકાનીમાધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી અંજનાબેન મોરઝરિયા અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે નામાંકન કરાયેલ બાળકોને કુમકુમ તિલક કરીને મીઠુ મોંઢું કરાવીને મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મનુષ્ય તું બડા મહાન હૈ ગીતના ગાન સાથે કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિનું ગીત સમુહમાં અભિનય સાથે રજુ કર્યું હતું. બે નાની બાળાઓએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો-બેટી ૫ઢાવો અંગે વકતવ્ય આપ્યું હતું. બાળકો દ્વારા સમુહમાં યોગનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રવેશ સામેલ બાળકોને બેગ સાથે શિક્ષણની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા વિના મુલ્યે અપાયેલ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમુહગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવેશભાઈ ૫રમાર, ચારૂબેન ચૌધરી, કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટ, નિવૃત શિક્ષકોશ્રી તરૂલતાબેન ભટ્ટ, ઈન્ચાર્જ આચાર્યશ્રી નિરૂબેન જોષી, શ્રી દેસાઈ, શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષીકાશ્રી તૃપ્તિબેને કર્યું હતુ.