જિલ્લાના ૩૯,૫૫૩ બાળકોને ઘર બેઠા મળી રહ્યું છે પૂર્વ પ્રાથિમક શિક્ષણ
કોવીડ-૧૯એ વિવિધ ક્ષેત્રોની ગતિના પૈડા થંભાવી દીધા છે. લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવાની નૈતિક ફરજ પડી છે. ત્યારે લોકડાઉનના પગલે બાળકોના શિક્ષણ પર અસર ન થાય તે માટે રાજકોટ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા અને પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના બાળકોને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાનું દરેક ધર આજે શિક્ષણનું મંદિર બન્યું છે. જિલ્લાના ૧૩૭૩ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૩ થી ૬ વર્ષની ઉંમરના ૩૯,૫૫૩ બાળકોને આંગણવાડી બહેનો દ્વારા ધર બેઠા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સોશ્યિલ ડીસન્ટસીંગના નિયમનું પાલન કરીને આંગણવાડી બહેનો દ્વારા દરેક ઘરની મુલાકાત લેવામાં આવે છે. અને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ કીટની અંદર બાળકોને રમત ગમત ભાગ ૧-૨ અને ચિત્રપોથી આપવામાં આવે છે. જેથી બાળક ગમ્મતની સાથે જ્ઞાન મેળવી શકે.
આ ઉપરાંત મઘર ટીચર કોન્સેપ્ટ અંતર્ગત વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. જેના માધ્યમથી આંગણવાડી કેન્દ્રોની બહેનો બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. તેમજ વાલીઓ દ્વારા શિક્ષણ લેતા બાળકોના ફોટા અને કઈ પ્રવૃતિ કરી તેની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવે છે. વધુમાં વાલીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લાની કર્મશીલ આંગણવાડીની બહેનો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટેના સાવચેતીના પગલાઓની જાગૃતિ સાથે બાળકોનું શિક્ષણ અને આંતરિક પ્રતિભાઓ ઘર બેઠા ખીલવવા માટેનું સરાહનીય કામ કરી રહી છે. તેનું આ કાર્ય ખરેખર આંખે ઉડીને વળગે તેવું છે.