શપથગ્રહણ માટે પીએમઓ દ્વારા બંનેને ફોન કરી જાણ કરાઈ

લોકસભાની ચુંટણીમાં પ્રચંડ જનાદેશ મળ્યા બાદ આજે સાંજે ૭:૦૦ કલાકે નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વડાપ્રધાન તરીકેનાં શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે મોદી સરકારમાં સૌરાષ્ટ્રનાં બે કદાવર નેતા પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને સ્થાન આપવામાં આવશે. આજે બપોરે વડાપ્રધાન કાર્યાલય ખાતેથી બંનેને ફોન કરી શપથગ્રહણ માટે તૈયાર રહેવા જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પુનમબેન માડમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ સાથે ફરી વિજેતા બનેલા મોહનભાઈ કુંડારીયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શકયતા હાલ નહિવત જણાઈ રહી છે.

આજે સાંજે ૭:૦૦ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય શપથવિધિ યોજાવાની છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાનપદે શપથ લેશે તેઓની સાથે અન્ય ૬૦ જેટલા મંત્રીઓ શપથ લે તેવી શકયતા હાલ જણાઈ રહી છે. સવારથી વડાપ્રધાન કાર્યાલય ખાતેથી જે સાંસદોનો મોદી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર છે તેઓને ફોન કરી જાણ કરવામાં આવી રહી છે.

પ્રથમ ટર્મમાં મોદી સરકારમાં સૌરાષ્ટ્રનાં બે કદાવર નેતા પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને રાજયકક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. રૂપાલા પાસે રાજય પંચાયતી રાજ, કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગનો હવાલો હતો જયારે મનસુખભાઈ માંડવીયા રોડ, ટ્રાન્સપોર્ટ, હાઈવે, શીપીંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગનાં મંત્રી હતા. ગુજરાતમાંથી ૪ થી ૫ સાંસદોનો મોદી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી હતી.

આવામાં પ્રથમ ટર્મમાં મંત્રીમંડળમાં મોદીનાં સાથીદાર એવા ‚પાલા અને માંડવીયાને ફરી રીપીટ કરવામાં આવતા ગુજરાત ભાજપનાં કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આજે બપોરે પી.એમ. ઓફિસ ખાતેથી ફોન કરી બંને નેતાઓને સાંજે મંત્રીપદનાં શપથ લેવા માટે તૈયાર રહેવા જાણ કરી દેવામાં આવી છે. રાજયમાં ફરી એક વખત તમામ ૨૬ સીટો પર ભાજપનો વિજય થયો છે. આવામાં કેન્દ્રમાં ગુજરાતનું વજન વધે તે સ્વાભાવિક છે. મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે મોદી સરકાર જામનગર બેઠક પરથી ચુંટાયેલા પુનમબેન માડમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરે તેવી શકયતા હાલ જણાઈ રહી છે જોકે બપોર સુધી પુનમબેને પીએમઓથી કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.

દેશમાં સૌથી વધુ લીડ સાથે વિજેતા બનેલા નવસારીનાં સાંસદ સી.આર.પાટીલનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ સાથે વિજેતા બનેલા મોહનભાઈ કુંડારીયાને મંત્રી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ જે રીતે ‚પાલા અને માંડવીયાને રીપીટ કરવામાં આવ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, મોહનભાઈને મંત્રી પદ ન પણ અપાય. આજે સાંજે ૭:૦૦ કલાકે વડાપ્રધાનપદે ફરી નરેન્દ્રભાઈ મોદી શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે તેઓની સાથે જે-જે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાનાં છે તેઓને ફોન કરી જાણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.