તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક પોલીસ વડા શિવાનંદ ઝા સાહેબ દ્વારા દરેક જિલ્લામાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોની ફિટનેસ જાળવણી માટે તથા તમામ સ્ટાફ સ્વસ્થ રહે અને અનુશાસન વધે તેવા હેતુથી તમામ પોલીસ અધિકારીઓ તથા જવાનોને ફરજિયાત પરેડ કરાવવા માટે સુચનાઓ કરવામાં આવેલ હોઇ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા પણ મહિનાના દર સોમવારે જિલ્લાના વિભાગીય પોલીસ મથક સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પીટી પરેડ તથા દર શુક્રવારે સુરેન્દરનગર ખાતે સેરીમોનિયલ પરેડનું ફરજિયાત આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે દર સોમવારે જિલ્લાના વિભાગીય પોલીસ મથક સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પીટી પરેડ યોજવામાં આવે છે. જેમાં દરેક વિભાગના મહત્તમ પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે.
લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ ડીવિઝનના મુખ્ય મથક લીંબડી ખાતે લીંબડી, ચુડા, પાણશીણા, સાયલા, ચોટીલા, બામણબોર અને થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને જવાનોની પીટી પરેડ દર સોમવારે યોજવામાં આવે છે. આ પરેડ દરમિયાન રનિંગ, માર્ચિંગ, કસરત દ્વારા પોલીસ સ્ટાફના જવાનોને પરેડ કરાવવામાં આવે છે.
ગત સોમવારે પણ લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લીંબડી ખાતે પીટી પરેડનુ આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ, આ પીટી પરેડમા પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોને પરેડની સાથે સાથે યોગના પાઠ ભણાવવામાં આવેલ હતા. જેમાં મૂળ લીંબડી તાલુકાના ભાલગામડા ગામના વતની અને હાલ ગાંધીધામ મરીન ખાતે ફરજ બજાવતા પોલીસ ઈન્સ. શક્તિસિંહ રાણા કે જેઓ હાલ રજા ઉપર આવેલ હોય અને પોતાની મોટાભાગની નોકરી પોલીસ અધિકારીઓ તથા જવાનોને તાલીમ આપવામાં વિતાવેલ હોઇ, તેઓએ લીંબડી ડિવિઝનના પોલીસ જવાનોને યોગાના પાઠ ભણાવી, સ્વસ્થ રહેવા માટેની ચાવીઓ બતાવેલ હતી.
પોલીસ ઈન્સ. શક્તિસિંહ રાણા દ્વારા પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોને નાની નાની ઉપયોગી કસરતો કરાવવામાં આવી ઉપરાંત બામણબોર પીએસઆઇ આર.આર.બંસલ દ્વારા કપાલભાતિ, ભ્રસ્તિકા, અનુલોમ વિલોમ,વિગેરે યોગા ના પાઠ ભણાવી, દરરોજ માત્ર 30 મિનિટ થી 45 મિનિટ શરીર માટે ફાળવવાની હિમાયત કરી હતી. દરરોજ માત્ર મામૂલી સમય ફાળવવામાં આવે તો, તેની અસર જવાનોના તન અને મન ઉપર પડે છે અને જવાનો પોતાનો આખો દિવસ તરો તાઝા થઈને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે છે. આ યોગા કરવાનો ફાયદો ટૂંકા ગાળામાં જણાઈ આવે છે, તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પો.ઈન્સ. શક્તિસિંહ રાણાએ જૂનાગઢ તેમજ કરાઈ તાલીમ શાળા ખાતે ઘણા બધા અધિકારીઓ તથા જવાનોને તાલીમ આપેલ છે અને હાલના લીંબડી ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ તેમના તાલીમાર્થી છે. આ પીટી પરેડ માં ચોટીલા પીઆઈ પી.ડી.પરમાર, થાનગઢ પીઆઈ દિપક ઢોલ, ચુડા પીએસઆઇ મયુર્સિંહ જાડેજા, સાયલા પીએસઆઇ બી.એસ.સોલંકી, સહિતના અધિકારી સહિત આશરે 80 પોલીસ જવાનો હાજર રહેલા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન દ્વારા યોજવામાં આવતી પીટી પરેડ માં યોગાની તાલીમ આપવાનું નવતર આયોજન દ્વારા પોલીસ જવાનોની ફિટનેસ માં અને કાર્યક્ષમતામાં વધારો થશે તેવો આશાવાદ દરેક પોલીસ જવાનો તથા અધિકારીઓએ વ્યક્ત કરી, યોગાની તાલીમથી સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. ઉપરાંત, પો.ઈન્સ. શક્તિસિંહ રાણા પોતાના વતનમાં રજા ઉપર આવ્યા હોવા છતાં અને પોતાની ફરજ પર નહિ હોવા છતાં, પોતાનો સમય ફાળવી, તાલીમ આપવા આવેલ હોઇ, પરેડ માં હજાર તમામ પોલીસ ફોર્સ ના જવાનોએ તેમની તાલીમ આપવાની ઉત્કંઠા અને ફરજ પ્રત્યેની તત્પરતા ને બિરદાવી, આભારની લાગણી વ્યક્ત કરેલ હતી.