પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારજની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાશે ‘સ્વયંસેવક પ્રેરણા સમારોહ’
વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં અનેકવિધ સામાજિક ઉત્કર્ષનાં કાર્યો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ ઉત્તમ રીતે કરી રહી છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં અનેરું સ્થાન ધરાવે છે. શિક્ષણ, પર્યાવરણ અને આરોગ્ય સંબધી વૈશ્વિક સમસ્યાના ઉકેલો પ્રદાન કરે છે. છેલ્લા ૧૫ દિવસમાં ૭ લાખ વ્યસની લોકોને વ્યસનમુક્ત કરાયા. પર્યાવરણના જતન માટે ૧ કરોડ છોડનું રોપણ તેમજ ૨૫ લાખ લોકોને આદિવાસી વિસ્તારોમાં મફતમાં તબીબી સારવાર આપવામાં આવી છે. આ કાર્ય કરવા માટે ૫૫ હજારથી અધિક સ્વયંસેવકો નિસ્વાર્થભાવે સેવાકીય કાર્ય કરી રહ્યા છે.
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા થતી આવી અનેકવિધ પ્રવૃતિઓનાં પાયામાં છે બી.એ.પી.એસ. સંસ્થાના સંતો અને સ્વયંસેવકો. આ સેવાની અભિવ્યક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રમુખસ્વામી મહારાજ નો ૯૮મો જન્મજયંતી મહોત્સવ. રાજકોટ શહેરમાં યોજાનાર આ મહોત્સવ સ્થિત સ્વામિનારાયણ નગરમાં છેલ્લાં આઠ મહિનાથી અભૂતપૂર્વ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.
સ્વામિનારાયણ નગરની સેવાકીય વિશેષતાઓ:
• આ મહોત્સવમાં કુલ ૨૨,૦૦૦ સ્વયંસેવકો છે. જેમાં ૧૪,૦૦૦ પુરુષો અને ૮,૦૦૦ મહિલાઓ ખડેપગે સેવા કરી રહ્યાં છે.
• સેવાના કુલ ૫૦ વિભાગો કાર્યરત.
• ૧૫ વર્ષ થી ૭૫ વર્ષ સુધીના આબાલવૃદ્ધ સ્વયંસેવકો નિસ્વાર્થભાવે સેવામય.
• ૧૨ દિવસથી લઈને ૮ મહિના સુધી સ્વયંસેવકો સહર્ષ સેવામાં જોડાયા.
• સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લાઓ અને ક્ષેત્રોમાંથી તેમજ મુંબઈ અને પુના ક્ષેત્રના સ્વયંસેવકો પણ આ સેવામાં સંલગ્ન.
• આદિવાસીથી લઈ અમેરિકા સુધીના અનેકવિધ ક્ષેત્રના નિષ્ણાત લોકોની અહીં સંપપૂર્વક સેવા.
• અનેક શારીરિક તકલીફોને અવગણીને સેવાને જ સર્વસ્વ ગણીને સ્વયંસેવકો સેવારત.
• ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર તેમજ પ્રતિષ્ઠિત પોસ્ટ અને ઉચ્ચ પગારની જોબ જતી કરીને અસ્મિતાપૂર્વક સેવામાં જોડાયા.
જન્મજયંતી મહોત્સવમાં સેવા કરી રહેલા રાજકોટના જ રહેવાસી યુવકે જણાવ્યું કે, ‘ તેઓ રાજકોટની અગ્રગણ્ય કંપનીમાં ચાર્ટડ એકાઉનટન્ટ છે. તેઓની ખુબ સારી આવક હતી પણ જોબ પરથી રજા ન મળવાથી જોબ મૂકીને સેવામાં આવી ગયા.
અન્ય એક મહિલા સ્વયંસેવિકા ઈમીટેશનનું કામ કરે છે અને તેમના પતિ કારખાનામાં કામ કરે છે. પોતે ભાડાના ઘરમાં રહેતાં હોવા છતાં પોતાના ઘરનાં કાર્યો તેમજ સંતાનોની અભ્યાસની યોગ્ય ગોઠવણી કરીને પતિ-પત્ની બન્ને મહોત્સવના સેવાયજ્ઞમાં જોડાઈ ગયા છે. આવા તો ઘણા સ્વયંસેવકો પોતાના અંગત કાર્યોને ગૌણ કરી સ્વામીનારાયણ નગરના સેવાયજ્ઞમાં જોડાઈ ગયા છે.
શ્રદ્ધા અને ખંતથી અદ્ભુત સેવા કરી રહેલા હજારો સ્વયંસેવકો માટે આજે સાંજે ભવ્ય સ્વામિનારાયણ નગરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પુનિત ઉપસ્થિતિમાં ‘સ્વયંસેવક પ્રેરણા સમારોહ’ યોજાશે. છેલ્લા ૨ મહિનાથી તને, મને, ધને એમ સર્વપ્રકારે સેવામાં જોડાયેલા સ્વયંસેવકો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વચનથી કૃતાર્થ થશે.