12 જૂન એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે. ત્યારે ભણવાની ઉંમરે બળબળતા તાપમાં શહેરના ખૂણે ખુણા ખૂંદી કચરો વીણતા ભૂલકાના કરુણ દ્રષ્યો સામે આવ્યા છે. ખરેખર આવા બાળકોના ભવિષ્ય અંગે જરૂરી નિર્ણય લઈ કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ બાળ મજૂરી વિરોધ દિવસની ઉજવણી સાર્થક ગણાશે. બાળકોના ભણતર અને વિકાસના મસમોટા દાવાઓ કરવામાં આવે છે જેનાથી વાસ્તવિકતા અલગ હોવાનું સામે આવ્યું છે.
મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં ભણવાની ઉંમરે મજૂરી અને કચરો વીણી મોટી સંખ્યામાં બાળકો ગુજરાન ચલાવી રહ્યાં હોવાની દયનીય સ્થિતિ
આજે પણ મહાનગર પાલિકાના અનેક વિસ્તારોમાં ભણવાની ઉંમરે મજૂરી અને કચરો વીણી મોટી સંખ્યામાં બાળકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાની દયાજનક સ્થિતિ સામે આવે છે. બાળ મજૂરી વિરોધ દિન નિમિત્તે સરકારે આવા બાળકોના શિક્ષણ અને ગુજરાન માટે જરૂરી યોજના અમલમાં મુકવી જોઈએ તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.
ચાઈલ્ડ લાઈન 1098 દ્વારા કારખાના, ગેરેજ, ચાની દુકાનોમાં ચકાસણી
ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટના માર્ગદર્શન હેઠળ બાળમજુરી વિરોધી દિવસની ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં કારખાનાઓનું હબ માની શકાય તેવા ઉદ્યોગનગરમાં સંભવિત બાળમજૂર મળી શકે તેવા સ્થળો જેમ કે, કારખાના,ચાની દુકાન,ગેરજ સહિતની જગ્યાઓની રેન્ડમલી પસંદગી કરી તે સ્થળે ચાઈલ્ડલાઈનની ટીમ અચાનક પહોચી વિઝીટ કરી હતી.કારખાનાની વિઝીટ દરમિયાન કારખાનાના માલિક અથવા સંચાલક સાથે વાતચીત દ્વારા ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી અપાઇ હતી અને કારખાનામાં ચાલુ કામના સ્થળોની મુલાકાત કરી ચકાસણી કરી કોઈ જગ્યાને 18 વર્ષથી નાના બાળકોને કામ પર રાખેલ છે કે કેમ?
કારખાનની વિઝિટમાં તમામ મજુર 18 વર્ષથી ઉપરના જોવા મળ્યા હતાં. ઉપરાંત ચાની દુકાનોની વિઝીટ દરમિયાન અમુક દુકાનોમાં બાળકો નજરે પડતા ટીમ દ્વારા દુકાનના માલિક સાથે વાતચીત કરતા દુકાન પર કામ કરતા બાળકોની ઉમરની તપાસ કરાઇ હતી અને બાળકોની ઉંમર 14 વર્ષથી વધુ હતી. આમ દુકાનદારોને સમજાવવામાં આવેલ કે 14 વર્ષથી નાની ઉમરના બાળકોને કામ પર રાખવા તે કાયદાકીય રીતે ગુનો બને માટે 14 વર્ષથી ઓછી ઉમરના બાળકોને ક્યારેય કામ માટે ન રાખવા જોઈએ. કારખાનાઓની અને દુકાનોની મુલાકાત દરમિયાન પેમ્પ્લેટ અને સ્ટિકરો દ્વારા બાળમજૂરી અટકાવવા માટે ટીમ દ્વારા અવેરનેસ કરવામાં આવી હતી.