શાસકો કરકસરયુક્ત વહીવટ કરે, બિનજરૂરી ખર્ચ પર કાપ મુકે તો પાણી વેરાના 78% વધારાનો બોજ લાદવો ન પડે: ભાનુબેન સોરાણી
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્રારા પાણીવેરામાં 78% જેટલો વધારો કરવામાં આવ્યો છે.ભાજપના શાસકોને જનતાના સામાન્ય પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે જનતાને સમસ્યા અને વેરામાં વધારો કરી હેરાનગતિ કરી રહ્યા છે તેવું વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.
રાજકોટમાંથી જયારે કેશુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટની જનતાના મત મેળવી દિલ્લીની ગાદી પર બિરાજમાન છે ત્યારે રાજકોટની જનતાની લાગણી-માગણી જાણ્યા વગર જ બેફામ 78% જેટલો પાણી વેરામાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જયારે મોંઘવારીના કપરા કાળમાં રાજકોટની પ્રજા ઉપર પાણી વેરામાં વધારાનો ડામ ઝીકયો છે.ભાજપના શાસકો કરકસરયુક્ત વહીવટ કરે અને બિનજરૂરી ખર્ચ પર કાપ મુકે તો પાણી વેરાના 78% વધારાનો બોજ લાદવો ન પડે.
24 કલાક પાણી વિતરણની વાતોનું સુરસુરિયું થયું છે તેમજ દરેક ચુંટણીઓમાં રાજકોટની જનતાને સ્વચ્છ પાણી આપવાનું અને અડધી કલાક પાણી વિતરણના બણંગા ફૂંક્યા છે ત્યારે હાલ વાસ્તવમાં 20 મિનીટ પાણી વિતરણમાં ધાંધિયા થઇ રહ્યા છે અને શહેરના અમુક વિસ્તારોમાં હજુય ટેન્કરથી પાણી વિતરણ થઇ રહ્યું છે, બેફામ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે જેની ઉપર કોઈ પગલા લેવાની જરૂર છે તેમજ વોટર હાર્વેસ્ટીગની કોઈ જ યોજના નહી! જે બાબતે આશ્ચર્ય સર્જ્યું છે ચોમાસે દરેક ડેમો છલકાય ત્યારે કેમ રાજ્ય સરકાર ઉપર મદાર રાખવો પડે છે ? તેવો ટોણો ભાનુબેન સોરાણીએ માર્યો છે.
વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કે ભાજપના શાસકો પાણી વેરામાં 78% વધારો કરી રહ્યા છે ત્યારે તા.01/01/2022 થી 09/02/2023 સુધીમાં અધધ…31,369 જેટલી ફરિયાદો નોંધાઈ છે ત્યારે ભાજપના શાસકો પહેલા આ કોલ સેન્ટરમાં આવેલી ફરિયાદોનું પ્રમાણ ઘટાડવામાં શું પ્રયત્ન કર્યો ?
પાણીની ફરિયાદોમાં ડાયરેક્ટ પમ્પીંગ, ગેરકાયદેસર નળ કનેક્શન, ઓછું પાણી આવવું, ધીમા ફોર્સથી પાણી આવવું, પાણી ન આવવું, પાઈપલાઈન લીકેજ, ગંદુ પાણી આવવું, વાલ્વ ચેમ્બર ઢંકાઈ જવી, વાલ્વ ખુલ્લો રહી જવા સહિતની 31,369 ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલ છે ત્યારે વિકાસના બણંગા ફૂકતા પેપર ટાઈગર ભાજપના શાસકો પાણીવેરો વધારતા પહેલા ફરિયાદો નિવારણ કરવાનું આયોજન કરે અને સામાન્ય નાગરીકોને પીવાના પાણીની ફરિયાદો નહિવત પ્રમાણમાં આવે ત્યારે આવો વધારો કરો એ વ્યાજબી ગણાય તેવું ભાનુબેન સોરાણીએ અંતમાં જણાવ્યું છે.