રાજકોટ, બરોડા, સુરત, વલસાડ સહિતના બસ સ્ટેશનમાં ઉમેદવારોનો હોબાળો: રાજકોટમાં વિરોધકર્તા એનએસયુઆઇના 15 કાર્યકરોની અટકાયત

 

ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા શરૂ થયાની ગણતરીની કલાક પહેલા રદ્ કરવાની ફરજ પડી હતી. જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે અંદાજીત 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા ત્યારે રાજ્યભરમાં લાખો ઉમેદવારોએ તનતોડ મહેનત કરી પરીક્ષા આપવા જતા પહેલા જ પેપરલીંક થતા છાત્ર સંગઠન એન.એસ.યુ.આઇ. સહિત ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટાયરો સળગાવ્યાં હતાં. હાઇવે ચક્કાજામ કર્યા હતાં. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

 

મોરબી :

IMG 20230129 WA0227

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગઇકાલે આશરે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ 1181 જગ્યાઓ માટે પરીક્ષા આપવા જતા પહેલા પેપર ફૂટી જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેના લીધે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઇ 1949થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્ર્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે ત્યારે એબિપીવી મોરબી શાખા દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક થવાના વિરોધમાં પ્લેકાર્ડ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

પોરબંદર :

 

સમગ્ર રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પેપર પરીક્ષા પૂર્વે જ લીક થઈ ગયું હતું. જેથી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે આ ઘટનાને લઈને પરિક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ઘટનાને લઈને પોરબંદર એ.બી.વી.પી. દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એ.બી.વી.પી. ના સભ્યો દ્વારા પ્લે કાર્ડ બતાવી અને સરકાર વિરૂધ્ધ સૂત્ર્ાોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષ્દ દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરી અને જવાબદારો સામે રાજદ્રોહ સુધીના પગલા લેવા પણ માંગ કરવામાં આવી છે.

વિસાવદર :

 

વિસાવદરમાં ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ ગજેરા એડવોકેટ અને વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોષી દ્વારા મુખ્ય મંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર તમામ જિલ્લા ચેરમેન,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર શિક્ષણમંત્રી વિગેરેને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 29 જાન્યુઆરીના રોજ આશરે 8 લાખ થી વધુ બેરોજગાર વિદ્યાર્થીઓ 1181 સીટ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પરીક્ષાર્થીઓ પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી તૈયારી કરી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ પરીક્ષા આપવા કેન્દ્ર પર ગયા અને જાણ થઈ કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે આટલા વિશાળ વિદ્યાર્થીઓની સરકારી નોકરી મેળવવા માટે સતત મહેનત કરી હોય અને તેઓના વાલીઓને પણ આ પરીક્ષા આપી બાળકો પોતાનું સારી રીતે જીવન જીવે અને નોકરીની રાહ જોઇ રહ્યા હોય ત્યારે અચાનક પેપર લીક થઈ જાય અને તાત્કાલીક સવારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અત્યંત દુ:ખી થઈ જાય છે અને પોતાના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય તો કેટલી માનસિક હાલત કફોડી બની જાય તે માત્ર વાલીઓનાં આત્મા પર વીતતી હોય છે અને આવા પરીક્ષાના પેપર લીક થઈ જાય ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ અન્ય તાલુકા, જિલ્લામાં સાથે ગયા હોય તો તેનો પણ ખર્ચ થાય અને સાથે સમયનો પણ વ્યય થાય છે તે પણ વિદ્યાર્થીઓને ને ટિકિટના પૈસા પરત આપવા આવા પેપર લીક કરનાર પાસેથી વસુલવા જોઈએ જેથી બીજીવાર આવું કૃત્ય ન થાય તે માટે સરકારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે અને પેપર લીક કરનાર તમામ તત્ત્વોને તાત્કાલીક પકડી તેઓ સામે ફરિયાદ દાખલ કરી તમામને વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય મળે તે માટે ખાસ કોર્ટમા કેસ ચલાવી સજા થાય તે ખાસ સરકારી વકીલની નિમણૂંક કરી અને કડક સજા થાય તે માટે સરકારે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ટીમ ગબ્બર ગુજરાત દ્વારા રજુઆત છે.

જૂનાગઢ :

 

જૂનાગઢ જિલ્લામાં 79 કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા 23220 ઉમેદવારો પરીક્ષા રદ થતા રઝડી પડ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો. અને એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓનો જમાવડો થતાં સખત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓને શાંત પાડવા શિક્ષણ વિભાગના એક અધિકારી બસ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. પરંતુ નારાજ વિદ્યાર્થીઓનો આક્રોશ પામી અધિકારીને બસ સ્ટેન્ડ માંથી દોડતા દોડતા ભાગી જવું પડ્યું હતું.

જુનિયર ક્લાર્ક વર્ગ- 3 નું પેપર ફૂટતા પરીક્ષા બંધ રાખવામાં આવી હતી, જેના કારણે નારાજ થયેલા વિદ્યાર્થીઓ આક્રોક્ષ સાથે એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા. ત્યારે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને એડ્રેસ ઉપરના સ્થળ સુધી નિશુલ્ક પહોંચાડવાની જાહેરાત થઈ હતી. પરંતુ મોટાભાગના ઉમેદવારો અભ્યાસના સ્થળે જવા માંગતા હોય. ત્યારે એસટી વિભાગ દ્વારા આવી કોઈ જાહેરાત ના થઈ હોવાથી વિદ્યાર્થીઓ અને એસટીના અધિકારીઓ વચ્ચે પણ જીવાજોડ થઈ હતી. અને વિદ્યાર્થીઓમાં વધુને વધુ આક્રોક્ષ ફેલાતો જતો હતો. આ દરમિયાન જુનાગઢ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ એસ.ટી. ડેપો ખાતે પહોંચ્યા હતા. ત્યારે મામલો કંઈક અંશે શાંતા પડ્યો હતો. જો કે આ દરમિયાન શિક્ષણ વિભાગના એક અધિકારી વિદ્યાર્થીઓને શાંત પાડવા એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા. પરંતુ ઉમેદવારોએ પ્રશ્નનો મારો ચલાવતા અને રોષે ભરાયેલા ઉમેદવારોએ હલાબોલ કરતા અધિકારી રીતસરના ત્યાંથી ભાગવા માટે મજબૂર બન્યા હતા. અને દોડતા દોડતા એસટી બસ સ્ટેન્ડની બહાર પહોંચ્યા હતા, ત્યારે પણ પોલીસને મામલો શાંત કરવો પડ્યો હતો.

જો કે, હજારોની સંખ્યામાં જુનાગઢ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો પરીક્ષા રદ થતા પોતાની રીતે આખો દિવસ જૂનાગઢમાં રઝળપાટ કરી જે વાહન મળે તેના દ્વારા પોતાના વતન અને અભ્યાસના સ્થળ ભણી રવાના થયા હતા.

 ઈડર

IMG 20230129 WA0293

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરિક્ષાના પેપર લીક થયાના કિસ્સા સામે આવ્યા હતા ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટયું હોવાના સમાચાર મળતા જ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાત્કાલિક અસરથી પરિક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પરીક્ષા રદ થતાં પરિક્ષા આપવા પહોચેલા ઉમેદવારો  અટવાયા હતા ત્યારે એક જીલ્લા માંથી બીજાં જિલ્લામાં પોતાનું ભવિષ્યનું ઘડતળ કરવા પહોચેલા ઉમેદવારોએ રાજ્ય સરકાર અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો ઈડર શહેર અને તાલુકા મથકે આશરે 43 જેટલાં બ્લોકમાં 1290 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા ત્યારે કેન્દ્રો પર પહોચેલા ઉમેદવારોને પરીક્ષા રદ થયાની વાતને લઈ બસ સ્ટેન્ડ ખાતે કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન ઘટે તેને લઈ મોટાભાગે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ત્યારે વિધાર્થીઓએ સરકાર સહિત પસંદગી મંડળ સામે ભારે આક્રોશ વ્યકત કરી મેનેજમેન્ટ સામે નિરાશા વ્યક્ત કરી હતી.

સુરેન્દ્રનગર

1675054490309 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ- ગાંધીનગર દ્વારા જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની ભરતી માટે રવિવારે લેવાનાર પરીક્ષાનું પેપર ફૂટી જતા મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેથી સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા બહારગામથી આવેલા હજારો ઉમેદવારો નિરાશ થયા હતા. કેટલાક હતાશ ઉમેદવારો હીબકે ચડયા હતા, તો કેટલાકે પરીક્ષા સ્થળ પાસે કોલ લેટર સળગાવી આક્રોશ ઠાલવ્યો હતો. ઉમેદવારોએ એવી આપવીતી રજૂ કરી હતી કે, પેપર નહીં અમારું નસીબ ફૂટી ગયું.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની ભરતી માટે રવિવારે ગુજરાતભરમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાં 67 કેન્દ્ર ઉપર તળાજા, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, પાલિતાણા, બોટાદ સહિતનાં સ્થળેથી અંદાજે 16,260 ઉમેદવારો આ પરીક્ષા આપવા આવેલા હતા.

બહારગામથી આવેલા ઉમેદવારોની જેમ સુરેન્દ્રનગરના અનેક યુવક-યુવતીઓ આ પરીક્ષા આપવા માટે ભાવનગર-પાલિતાણા સહિતના સ્થળે ગયા હતા.

તેઓ પણ હેરાન-પરેશાન થયા હોવાનું જાણવા મળે છે. એસ.ટી.બસસ્ટેન્ડમાં પોતાને ગામ જઈ રહેલા ઉમેદવારોએ નિરાશાની લાગણી સાથે જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનો સરકાર ઉપર ભરોસો રાખે છે પરંતુ આ ભરોસો વારંવાર તૂટી રહ્યો છે. ભરતી પરીક્ષાના પેપર ફોડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત થતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.