સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતા હવે રાજ્ય સરકાર પણ ત્રસ્ત થઈ ગઈ છે, હવે પેપરકાંડ બહાર આવતા કોનો ભોગ લેવાશે? કોણ કળા કરી ગયું? ચર્ચાનો વિષય બન્યો
બી.કોમ સેમ-3 ઇકોનોમિકસનું પેપર રદ્: 3 જાન્યુ.એ ફરી પરિક્ષા લેવાશે
તાજેતરમાં જ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમ-6 ઇકોનોમિકસનું પેપર ફૂટવાની ગઈકાલે ઘટના સામે આવતા ખળભળાટ મચવા પામ્યો છે. પેપર તો ફૂટી ગયું પણ હવે પથારી કોની ફરશે??? ચર્ચાનો વિષય બન્યો છે. બીજીબાજુ રાજકોટમાં ગઈકાલે જ શિક્ષણમંત્રીના આગમનના પગલે પેપરકાંડ બહાર આવ્યું જેમાં કોણ કળા કરી ગયું?? કોના ઈશારાના પગલે પેપર વ્હોટ્સઅપ ગ્રૂપમાં ફરતું થયું સહિતના અનેક સવાલો સામે આવી રહ્યા છે. આ મામલે કોણ કળા કરી ગયું છે તે હવે શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે જીતુભાઇ વાઘણીની નિમણુંક થઈ છે ત્યારથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વાદ વિવાદો અને કૌભાંડો પૂરૂં થવાનું નામ જ નથી લઈ રહ્યા. યુનિવર્સિટીમાં તાજેતરમાં જે ભરતી કૌભાંડ સામે આવ્યું છે તેમાં પણ ભરતીની ભલામણના સ્ક્રિનશોટ વાયરલ કોને કર્યા તે મુદ્દો ઉછળ્યો હતો. જેને પગલે તાત્કાલિક ભરતી પણ રદ કરવામાં આવી હતી.
એ અગાઉ માટી કૌભાંડ તેમજ યુનિવર્સિટીનો એ ગ્રેડ પણ છીનવાઈ ગયો આવા અનેક મુદાઓથી યુનિવર્સિટીનું નાક કપાઈ રહ્યું છે અને હવે બાકીમાં રહી ગયુ હોય તેમ પેપર લીક કૌભાંડ પણ સામે આવ્યું પણ આખરે આ બધા પાછળ કોણ કળા કરી રહ્યું છે તે તો સમય જ બતાવશે.કરાર આધારિત પ્રોફેસરોની ભરતી કરવાની વાત તો અટકેલી જ પડી છે ત્યારે બીજીબાજુ આગામી બે મહિનામાં વીસી પીવીસીની પણ ભરતી કરવાની છે તો નવો કયો એવો ચહેરો આવશે કે જે આ બધા વિવાદો પાર પાડી શકશે.
જ્યારથી શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘણીએ હવાલો સંભાળ્યો છે ત્યારથી જ રાજ્યમાં એજ્યુકેશનમાં કોઈને કોઈ કૌભાંડ થઈ રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત દિવસે ને દિવસે ખાડે જાય છે.ગઈકાલે જે પેપરલીક થવાનો મામલો સામે આવ્યો છે તેમાં પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે પણ આખરે કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે?
શિક્ષણમંત્રી પોતે રાજકોટમાં હોય અને પેપર લીક મામલે કોણ કળા કરી ગયું? તે જોવું મહત્વનુ રહેશે.ખરેખર તો પેપર ક્યાંથી લીક થયું? કોના ઈશારે થયું? કેવી રીતે વ્હોટ્સગ્રૂપમાં આવ્યું? કોના કહેવાથી થયું આ તમામ બાબતોમાં કેટલાક રહસ્યો છે તે તો હવે સમય જ બતાવશે?બી.કોમ.સેમ-6 ઇકોનોમિકસનું પેપર લીક થયું છે તે આજે રદ કરવામાં આવ્યું છે તેની સતાવાર જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી દ્વારા કરવામાં આવી છે અને હવે આ પેપર તમામ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ લેવાશે તેમ પણ તેઓએ જણાવ્યુ હતું.
સુરસૂરિયા કરી સંતાઈ જાય છે તેવાને ઉઘાડા કરાશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યા ત્યારે ફરી એક વિવાદ સામે આવતા યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થયું છે. પેપર તો હવે ફૂટી ગયું પણ પથારી કોણ પાથરી રહ્યું છે. અનેક કૌભાંડો અને વિવાદોમાં સપડાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક મામલે યુનિવર્સિટીમાં કોનો ભોગ લેવાશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
અનેક નાના મોટા વિવાદોમાં કારણ વગરના લોકો ભોગ બની રહ્યા છે ત્યારે કોણ એવા મોટા માથા છે કે જે સુરસૂરિયા કરી સંતાઈ જાય છે તેવાને ઉઘાડા કરાશે કે શું? શિક્ષણમાં સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટ કે જયાં શિક્ષણમંત્રીના આગમનના પગલે જ પેપર લીક થાય તો તે ખૂબ શરમજનક વાત કહેવાય અને કોણ આ મામલે કળા ખીલવી રહ્યું છે તે શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.