એક બાદ એક ખાનગી પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરો ફૂટતા ગયા અને છલ્લક છલાણું કોના ઘરે ભાણુંની રમત રમાતી ગઈ, હવે જો સ્પર્ધાત્મક પરિક્ષાને સુરક્ષિત બનાવવી હોય તો સરકારે જ પોતે પ્રિન્ટીંગનું કામ હાથમાં લેવાનો એક માત્ર વિકલ્પ
ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફર્યું, પેપર ફૂટયા બાદ એસટી બસ સ્ટેશનોએ ભીડ જામી, પૂરતી બસો પણ ન હોવાથી ઉમેદવારો પરેશાન
રાજ્યમાં 9.53 લાખ ઉમેદવારો આપવાના હતા પરીક્ષા, ઉમેદવારો સેન્ટરે પહોંચે તે પહેલાં જ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ: અનેક સ્થળોએ હોબાળો, પોલીસે મહામહેનતે સ્થિતિ કાબુમાં લીધી
રાજ્યના વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આમ પેપર ફૂટવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે. જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક ખાનગી પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરો ફૂટતા ગયા અને છલ્લક છલાણું કોના ઘરે ભાણુંની રમત રમાતી ગઈ, હવે જો સ્પર્ધાત્મક પરિક્ષાને સુરક્ષિત બનાવવી હોય તો સરકારે જ પોતે પ્રિન્ટીંગનું કામ હાથમાં લેવાનો એક માત્ર વિકલ્પ બચ્યો છે. રાજ્યમાં ગઈકાલે રાજ્યમાં 9.53 લાખ ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપવાના હતા. આ ઉમેદવારો સેન્ટરે પહોંચે તે પહેલાં જ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની જાહેરાત થઈ હતી. જેને પરિણામે અનેક સ્થળોએ હોબાળો મચ્યો હતો. પોલીસે મહામહેનતે સ્થિતિ કાબુમાં લીધી હતી.
બીજી તરફ પેપર લિકની ઘટનામાં સરકાર પણ કાર્યવાહીમાં ઊંધામાથે થઇ હતી. ગુજરાત એટીએસને છેલ્લા કેટલાક દિવસથી પેપરલીકમાં અગાઉ સંડોવાયેલા ગેંગ
સક્રિય થઇ હોવાની માહિતી મળી હતી. જેને લઇ તેઓ ગુજરાત એટીએસએ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપરલીક કેસમાં સંડોવાયેલ આરોપીઓ પર હ્યુમન તથા ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત એટીએસ પેપરલીક થયું હોવાની માહિતી મળતા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અગાઉ પકડાયેલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અન્ય ટીમોને રાજ્ય બહાર પણ મોકલવામાં આવી હતી.
પેપરલીક કાંડમાં 16 આરોપીઓની ધરપકડ
આ અંગે ગુજરાત એટીએસ એસપી સુનિલ જોષીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ ભરતી પ્રક્રિયાઓ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ પણે થાય તથા ફક્ત અને ફક્ત તેઓના મેરીટ આધારે નિમણુંક થાય તથા કોઇ પણ સંજોગોમાં ખોટા માણસોને લાભ ન થાય અને યુવાન છાત્રો સાથે ગેરરીતી ન થાય તે માટે ગુજરાત પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે મહેનત કરી રહ્યાં છે તેમની સાથે અન્યાય નહીં થાય, તેના માટે થઇ અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે અને કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર અગાઉથી જ વોચ હતી. પેપર લીક સંબંધિત ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ ગુજરાત તથા અન્ય રાજ્યોના ઇસમો તથા આંતર રાજ્ય ટોળકીઓ ઉપર ગુપ્ત રાહે વોચ રાખવામાં આવી હતી. જે બાબતે ગુજરાત એ.ટી.એસ. દ્વારા અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પરિક્ષાના પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી તથા કેતન બારોટ સહિત અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલ અન્ય ઇસમો ઉપર વિશેષ વોચ રાખી હ્યુમન તથા ટેક્નીકલ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતી.
પેપર લીક કેસમાં આરોપીઓની ધરપકડ
જેને લઇ ગુજરાત એ.ટી.એસ.ને એક ચોક્કસ બાતમી મળી હતી કે ઓડીશા રાજ્યના એક ઇસમ પ્રદીપ નાયક હાલ અગાઉ સી.બી.આઇ દ્વારા કરવામાં આવેલ પેપર લીક કેસમાં સંડોવાયેલ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ નાઓ સાથે મળી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક વર્ગ-3ની પરિક્ષાનું પેપર વડોદરા ખાતે વિદ્યાર્થીઓને વેચવાના પ્રયાસો કરવાના છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચની વિશેષ મદદ લઈ વડોદરા શહેર ખાતે રેઇડમાં વડોદરા એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી મુખ્ય આરોપી પ્રદીપકુમાર બિજયા નાયક, કેતનભાઇ બળદેવભાઇ બારોટ તથા ભાસ્કર ગુલબાચંદ ચૌધરી સહિત અન્ય આરોપીઓની વિધાર્થીઓને પેપર વહેંચણી કરતા પહેલા દબોચી લેવામાં આવ્યા હતા.
જોકે આરોપી પ્રદીપ નાયકની પ્રાથમીક પૂછપરછ દરમિયાન એટીએસને જાણવા મળ્યું હતું કે તેને આ પેપર મૂળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા કે જે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ – ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરી રહેલ છે. ત્યાંથી પૈસાની લાલચમાં આપવામાં આવ્યું હતું. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કર્યો હતો. જેણે આ પેપર તેના સાગરીતો જેમાં મોરારી , કમલેશ , ફિરોઝ , સર્વેશ , મિન્ટુકુમાર , પ્રભાત તથા મુકેશકુમાર, આ તમામ બિહારના રહેવાસી છે, જેઓ દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા માટે થઇ એક આખી ચેનલ ગોઠવવામાં આવી હતી. જેમાં મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની પાથવેય એજ્યુકેશન સર્વિસ જયદિશભયના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર એગ્ઝામ સેન્ટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશનના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટનો સંપર્ક કર્યો હતો. આ અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહારથી વડોદરા આવવા રવાના થયા હતા. જેમાં મૂળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તી પણ આ કેસમાં સંડોવાયેલ હતો
પેપર અંગે થઇ ભાસ્કર તથા કેતનએ ગુજરાતના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા , પ્રણવ શર્મા , અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધેલ હતા. આ તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયા હતા. જેની એક ચોક્કસ માહિતી મળતા ગુજરાત એ.ટી.એસ. દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા એસ.ઓ.જી.ની ટીમોને સાથે કંપનીની ઓફીસ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યાં આ તમામ આરોપીઓને લીક થયેલ પેપર સાથે દબોચી લેવામાં આવ્યા હતા. હાલ આ અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે આઈપીએસી કલમ 406, 409, 420 અને 120ઇ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તો બીજી તરફ મુખ્ય આરોપી જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા આરોપીની પૂછપરછ દરમિયાન થઈ શકે છે. જીત નાયક નામનો જે મુખ્ય આરોપી છે તેને એટીએસ દ્વારા હૈદરાબાદથી દબોચી લેવામાં આવ્યો છે. હવે આરોપી જીતને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આઠ વર્ષ બાદ પરીક્ષા લેવાય, તેમાં પણ ઉમેદવારોના નસીબ ફૂટ્યા
જુનિયર ક્લાર્કની લગભગ 1180 જગ્યાઓ માટે લાખો ઉમેદવારો વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા અને હવે તેમને ફટકો પડ્યો છે. બીજી તરફ જુનિયર કલાર્કની પરીક્ષા 8 વર્ષ બાદ લેવાઈ રહી હતી. સરકારી જોબની એટલી બધી ડિમાન્ડ છે કે વર્ગ – 3ના કારકુન બનવા માટે એક -એક પોસ્ટ માટે લગભગ 800 ઉમેદવારો હરીફાઈમાં હતા.2995 પરીક્ષાકેન્દ્રો પર લગભગ 31,800 વર્ગખંડમાં આ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ મોટી પરીક્ષા હતી. આ માટે મુખ્ય સચિવે તમામ જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે બેઠક યોજી હતી. પરીક્ષા કેન્દ્રના બદલે પેપર જ્યાંથી પ્રિન્ટ થતું હતું ત્યાં જ ગોટાળો થઈ ગયો.
100 દિવસમાં ફરી પરીક્ષા લેવાશે
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં થોડા જ કલાકો પહેલાં એક્ઝામનું પેપર લીક થતાં તે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષા મોકૂફ રહેતા 9 લાખથી પણ વધુ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જુનિયર ક્લાર્કની આ પરીક્ષા હવે આગામી 100 દિવસોમાં યોજાશે. જો કે હવે બીજી વખત ઉમેદવારોએ પરેશાન થઈ પોતાના સેન્ટર સુધી પરીક્ષા આપવા આવવું પડશે.
હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક, 16ની ધરપકડ
પેપર લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. આ પેપર ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત એટીએસએ મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 16 શખસની અટકાયત કરી હતી. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.
છેલ્લા 9 વર્ષમાં 13 પેપર ફૂટ્યા
- 2014: જીપીએસસીC ચીફ ઓફિસરનું પેપર
- 2015: તલાટીનું પેપર
- 2016: તલાટીનું પેપર
- 2018 : ટીએટી-શિક્ષક પેપર
- 2018 : મુખ્ય-સેવિકા પેપર
- 2018: નાયબ ચિટનિસ પેપર
- 2018: એલઆરડી-લોકરક્ષક દળ
- 2019: બિનસચિવાલય કારકુન
- 2021: હેડ ક્લાર્ક
- 2021: ડીજીવીસીએલ વિદ્યુત સહાયક
- 2021: સબ ઓડિટર
- 2022: વનરક્ષક
- 2023: જુનિયર ક્લાર્ક