સ્વ.પોપટભાઈ પટેલને શ્રધ્ધાંજલી પાઠવતા કડવા પાટીદાર અગ્રણીઓ પાટીદાર સમાજના વિકાસમાં પોપટભાઈની દૂરદંશી અને પરિશ્રમનો સિંહફાળો
કડવા પાટીદાર સમાજને સંગઠિત કરી સંગઠનના માધ્યમથી સમાજ વિકાસની કેડી કંડારનાર આ દુરંદેશી સમાજશ્રેષ્ઠી પોપટભાઈ નરશીભાઈ કણસાગરાનું 90 વર્ષની વયે દેહવિલય થતાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી શ્રધ્ધાંજલી સભામાં સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોપટબાપાની સમાજ નિષ્ઠાને બિરદાવી હતી. કડવા પાટીદાર સમાજ આજે અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બન્યો તેટલી પ્રગતિ કરી શક્યો તેના પાયામાં પોપટબાપા અને તેના જેવા સમાજશ્રેષ્ઠીઓનું યોગદાન રહ્યાનું આ અગ્રણીઓએ જણાવ્યું હતું.
પટેલ સેવા સમાજ – રાજકોટ, પટેલ પ્રગતિ મંડળ -રાજકોટ તથા ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયા ધામ) દ્વારા આયોજિત આ શ્રધ્ધાંજલી સભામાં બોલતા ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય છે બાબુભાઇ જમનાદાસ પટેલે પોપટબાપાને શ્રધ્ધાજલી આપતાં જણાવ્યું કે શ્રદ્ધા અને શ્રમથી પોપટબાપા એ સમાજના વિકાસનું પોષણ કર્યું છે . તેની સમાજનિષ્ઠા આપણા સૌને માટે ભાવિ વિકાસની કેડી બની રહેશે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થાના પૂર્વ પ્રમુખ અને 94 વર્ષની વયે પણ આ સમાજકાર્ય માટે પ્રવુત મણીભાઇ પટેલ (મમ્મી) એ જણાવ્યું હતું કે પોપટભાઈ જેવા દુરંર્દશી અગ્રેસરની સાથે કામ કરવાની તક મળી છે . સમાજ ઉત્કર્ષ ની તેમની ભાવના અને તે માટે તન- મન- ધનથી સમર્પણ માટેની સંકલ્પબધ્ધતા આપણા સૌ માટે પ્રેરણા બની રહેશે.
ઉંઝા ઉમિયા મંદિર સંસ્થાના મંત્રી દિલીપભાઇ પટેલે જણાવ્યું છે કે , આજના સમાજના કર્ણધારો માટે પોપટબાપાનું જીવન દીવાદાંડી બની રહેશે. સમાજને કઈ રીતે આગળ લાવી શકાય તેનો ધોરીમાર્ગ પોપટબાપા એ આપી દીધો છે.
રાજકોટ કિડની હોસ્પિટલ ના અધ્યક્ષ જયંતીભાઇ ફળદુએ પોપટબાયા ને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું હતું કે, સમાજ કાર્યમાં અડચણોનો આવે પણ તેને પાર કરી કઈ રીતે આગળ વધી શકાય તેનો માર્ગ પોપટ બાપાએ પોતાના જીવન કાર્ય દ્વારા દર્શાવી આપ્યો છે. સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાઆ પોપટબાપાને ભાવપૂર્ણ શ્ર્વરે અંજલી આપતા કહ્યું હતું કે, પોપટબાપા એ સમાજ વિકાસ નો રસ્તો કંડારી આપ્યો એટલું જ નહીં સમાજની નવી યુવાપેઢી પણ આ માર્ગે આગળ વધે તે માટે એક યુવા પેઢી પણ તૈયાર કરી આપી . તેમણે કહ્યું હતું કે , કુળદેવી મા ઉમિયાના મંદિરો શ્રદ્ધા કેન્દ્ર છે તેને વિકાસ સાથે જોડી સમાજ વિકાસની ગતિ પોપટભાપાએ તેજ બનાવી હતી .પટેલ સેવા સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ તેમજ પોપટભાઈ પટેલ ના પુત્રો ચંદ્રકાંતભાઈ પટેલ , નીતિનભાઈ પટેલ દિપકભાઇ પટેલ તથા પોત્ર રીશી પટેલ સહિત પરિવારજનો હાજર રહેલા હતા.
આ પ્રસંગે પટેલ સેવા સમાજ ના ટ્રસ્ટીઓ સર્વ નંદલાલભાઈ માંડવીયા , નરોત્તમભાઈ કણસાગરા , મગનભાઈ ધીંગાણી , જમનભાઈ ભાલાણી પ્રભુદાસભાઈ કણસાગરા , વિઠલભાઈ ઝાલાવાડિયા , જેન્તીભાઈ કાલાવડીયા , અશોકભાઈ કાલાવડીયા , ધીરજલાલ વડાલીયા , હરિભાઈ કણસાગરા , અમુભાઈ ડઢાણીયા , મનસુખભાઈ પાણ , શિવલાલભાઈ ઘોડાસરા , સંજયભાઈ ગોવાણી , તથા મનસુખભાઈ જાગાણી વિગેરે ટ્રસ્ટી તથા કારોબારી સભ્યો શ્રધ્ધાંજલી સભામાં હાજર રહી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. કાર્યક્રમનું સંચાલન પ્રો . જે.એમ. પનારાએ કર્યું હતું . કાર્યક્રમના અંતે સદગતના આત્માની શાંતિ અર્થે મૌન પડાયું હતું અને સંજયભાઈ કનેરિયાએ શાંતિ પાઠ કર્યો હતો અને કાર્યક્રમ વ્યવસ્થા યુવા સંગઠન ટીમ અને મહિલા સંગઠન ટીમે સંભાળી હતી.