ગોંડલ સંપ્રદાયના પૂ.રાજેશમુનિજી મ.સા.ની પાવન નિશ્રામાં વિરાણી હાઇસ્કુલના ડુંગરગુરૂ પ્રવજ્યા પટાંગણમાં યોજાયો દીક્ષા મહોત્સવ
ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગોંડલ સંપ્રદાયના પૂજય ગુરુભગવંત બા.બ્ર.રાજેશમુનિજી મહારાજ સાહેબે અનંતી કૃપા વરસાવીને અસંખ્ય દેવો-મહેન્દ્રો પણ ઝંખતા હોય એવા દીક્ષાના મહામૂલા ઉત્તમ કલ્યાણકારી-મંગલકારી-શ્રેયકારી ‘કરેમી ભંતે’ના પાઠ દીક્ષાર્થી હીરબેન સચિનભાઈ વોરા (ઉંમર વર્ષ 18)ને ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિમાં વિરાણી હાઈસ્કૂલના ‘ડુંગરગુરૂ પ્રવજ્યા પટાંગણ’માં ભણાવ્યા. દીક્ષાર્થીની વર્ષોની ઉત્કૃષ્ટ-ઉત્તમ ભાવના પૂર્ણ થઈ ત્યારે સંયમ સમોવસરણ ચારેય દિશાઓથી ભગવાન મહાવીર સ્વામીના, જૈન શાસનના તથા નૂતન દીક્ષિત મહાસતીજી ભગવંતના જય-જયકારથી ગુંજી ઉઠેલ. નૂતન દીક્ષિત ભગવંતના મુખચંદ્ર ઉપર સંયમ અંગીકાર કર્યાના અનુપમ-અદ્વિતીય-અપૂર્વ આનંદ અને ઉત્સાહભર્યું સંયમનું તેજ ઝળહળી રહ્યું હતું. ઉપસ્થિત ભાઈઓ-બહેનો અદભૂત-અવરણીય સંયમમય વાતાવરણમાં ભાવવિભોર બનીને સંયમની અંતરથી અનુમોદના કરી દીક્ષા મહોત્સવના સાક્ષી બનાવની ધન્યતા અનુભવેલ. ત્યાર બાદ નૂતન દીક્ષિત મહાસતીજી ભગવંતનું નામ જાહેર થયેલ.
દીક્ષાર્થી કુમારી હીરબેન સચિનભાઈ વોરા જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરીને શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આધ્યસ્થાપક ગચ્છાધિપતિ આચાર્ય 1008 બા.બ્ર. પરમ પૂજ્ય ડુંગરસિંહજી સ્વામીના પટાનુપાટ બહુશ્રુત આચાર્ય જશાજી સ્વામી પટાનુપાટ સ્થવિર ગુરુદેવ પરમ પૂજય પ્રેમચંદજી મહારાજસાહેબના શિષ્યરત્ન ચારિત્રનિષ્ઠ અનંત ઉપકારી ગુરુભગવંત રાજેશમુનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી હીરલગુરુણી પરિવારના સુદીર્ઘ સંયમ સ્થવિરા સાધ્વીપ્રમુખા અનંત ઉપકારી ગુરુણીભગવંત કુસુમબાઇ મહાસતીજીના સુશિષ્યા વિશુદ્ધીજી મહાસતીજી ભગવંત બનેલ.
શ્રી પાર્શ્ર્વનાથ જૈન સંઘ, રાજકોટથી મહાભિનિષ્ક્મણ યાત્રાનો મંગલ પ્રારંભ પગપાળા થયેલ. જેમાં વિશાળ જન સમૂહે ભાગ લીધેલ, દરેક ભાઈઓ- બહેનો એ જૈન પ્રતિક રૂપ મુહપતિ મુખ ઉપર ધારણ કરીને દીક્ષાર્થીના ગગનચુંબી જય-જયકાર સાથે દીક્ષા પ્રયાણ કરેલ. દીક્ષા ભૂમિ (વિરાણી હાઈસ્કૂલ)માં જૈન દીક્ષા મહોત્સવ ઉજવાયેલ.
શ્રી ઋષભદેવ જૈન સંઘ, શ્રી ઋષભાનન જૈન સંઘ, શ્રી પાર્શ્ર્વનાથ જૈન સંઘ, શ્રી વિશાલપ્રભ જૈન ધર્મસ્થાનક શ્રી શીતલનાથ જૈન સંઘ, શ્રી શાંતિનાથ જૈન સંઘ, શ્રી સુમતીનાથ જૈન સંઘ, અને શ્રી સંભવનાથ જૈન સંઘ આદિ શ્રી સંઘોના ભાઈઓ- બહેનોએ ઉત્સાહ ઉમંગથી ખૂબ જ પ્રસંશનીય સેવા-વૈયાવચ્ચ કરેલ.
શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, દિલીપભાઇ સખપરા, પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ સંયમ અનુમોદના કરેલ.